હિતેશ રાવલ, સાબરકાંઠા:
પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ અને આરાધનાનું સંગમ. શિવાલયોમાં ભક્તો ઉમટે છે ત્યારે ચાલો આજે તમને આવા જ એક શિવાલયના દર્શન કરાવીએ..!! સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના ગાઢ જંગલમાં આવેલું ઐતિહાસિક વિરેશ્વર મહાદેવ શ્રાવણ માસમાં આસ્થાનું ધામ બને છે. અહીં જંગલમાં આવતા જતા તમામ પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો માટે સાક્ષાત મહાદેવ તપ કરતા હોય તેવા દ્રશ્ય કુદરતી રીતે જ ઊભા થયેલા છે. અહીં મહાદેવના ચરણોમાં હજારો વર્ષોથી સ્વયંભૂ ભૂગર્ભ ગંગામૈયા અવિરત જલાભિષેક કરે છે.
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ઠેરઠેર શિવજીના મંદિરોમાં ભોળાનાથને રીઝવવા પૂજા અર્ચના કારવામાં આવે છે. ભકતો દૂર દૂરથી આવી ભોળાનાથના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે તેવું એક અનેરો મહિમા ધરાવતું શિવજીનું મંદિર ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. જે વિરેશ્વર મહાદેવના નામ થી દેશભર માં પ્રખ્યાત છે. 800 વર્ષ પુરાણું આ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર છે. અહીં સાક્ષાત શિવજી બિરાજમાન છે. ચોમાસામાં આ મંદિર સોળે કળાએ ખીલી ઉઠે છે. છોટા કાશ્મીર જેવું આલ્હાદક વાતાવરણનો નજારો અહીં જોવા મળે છે. અહીંયા શ્રાવણ માસમાં આદિવાસી લોકોનો મેળો પણ ભરાય છે.
આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગગાનો પ્રવાહ વહે છે જે આજ દિન સુધી સુકાયો નથી. જેને ગુપ્ત ગંગા નામ આપવામાં આવ્યું છે. ઉનાળાના ધોમ ધખાતા તાપમાં પણ આ પ્રવાહ અવિરત વહ્યા કરે છે. આ પાણીને ભક્તો પ્રેમથી પીવે છે અને ધંન્યતા અનુભવે છે. આ અરવલ્લી ગિરિમાળાઓમાં વનસામ્રાજ્ય જ્યાં વટવૃક્ષોના જંગલોમાં બિરાજેલા શિવ શંભુ વિરેશ્વર મહાદેવ જ્યાં ગિરિમાળામાંથી ગંગા અવતરતી હોય તેમ જટાઓ માંથી પાણીનો પ્રવાહ ઉબરાના ઝાડના મૂળમાંથી અવતરી શીવજીના ચરણ સ્પર્શ કરી ત્યાંથી આગળ જતા અલોપ થઈ જાય છે.
આજ સાનિધ્યમાં બાજુમાં બિરાજેલા નૃસિંહ ભગવાનના દર્શન કરીને લોકો પાવન અને ધન્યતા અનુભવે છે. જયાં એકબાજુ શિવનો મહિમા અને પવિત્ર શ્રાવણ માસ અને તેજ સાનિધ્યમાં વિષ્ણુ ભગવાનના અવતાર અને ત્યાંજ આંબાના વૃક્ષમાં બિરાજેલા હનુમાનજીના દર્શન કરીને પોતાને જાણે દેવો આ વનરાજીમાં દર્શન આપવા આવ્યા હોય તેવો અનુભવ અહીંયા કુદરતી વાતવણમાં થાય છે.
મંદરીના દર્શનાર્થે આવેલ મુસાફરોએ આ અદ્ભુત અને રમણીય સ્થળ અંગે જણાવ્યુ કે, ગુપ્ત ગંગાનો પ્રવાહ શિવજીના લિંગ ઉપર થઈ જમીનમાં સમાઈ જાય છે. આ પાણીનો પ્રવાહ ક્યાથી આવે છે..? તે જાણી શકાયું નથી. આ મંદિરમાં 1984થી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીં આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ જમાડવામાં આવે છે. ચૂરમો ભક્તોને પીરસવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં વનભોજન અતિ મહત્વનું હોય છે તેથી અહીંયા વનમાં ભોજન સાથે લોકો કીર્તન કરે છે.
સ્મશાનવાસી અને ભૂત-પ્રેતના સાથી મનાતા ભોળાનાથનાં અનેકો સ્વરૂપો છે. ત્યારે ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભોળાનાથનું એક અલૌકિક શૃંગારિક સ્વરૂપ પણ છે. હા, સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિમાળાઓમાં વિરેશ્વર ધામ લોકો માટે એક આધ્યાત્મિકની સાથે સાથે અનેરા વાતાવરણમાં લોકો જ્યાં બિરાજેલા વિરેશ્વર મહાદેવના દર્શન કરી કૃતજ્ઞ થાય છે. કુદરતના ખોળામાં જાણે સ્વર્ગમાં આવ્યા હોય તેવું અલોકીક વાતાવરણ છે.