ભારતભરમાં અનેકો શિવાલયો આવેલા છે. એમાં પણ બાર જ્યોતિર્લીંગનું કઈક વિશેષ જ મહત્વ છે. પણ આ સાથે ઘણા એવા શિવ મંદિરો છે જે વિભિન્ન તથ્યો, પૌરાણિક કથા અને ઈતિહાસથી જોડાયેલા છે. હાલ શ્રાવણ માસ દરમિયાન આજે અમે તમને એવા શિવ મંદિર વિશે જણાવીશું જે રાવણ દ્વારા રચિત છે. અહીના પૌરાણિક શિવાલય કે જેની પહેલી પૂજા રાવણે કરી હતી.
જે આ મંદિર ગુજરાતની સરહદ સાબરકાંઠા નજીક રાજસ્થાન વિસ્તારમાં આવેલું છે. શિવાલયની આ પવિત્ર અનોખી જગ્યા જેની સાથે રાવણ, શિવ, હનુમાનજી, ભૈરવનાથ સાથેની રોચક કથા જોડાયેલી છે. આ જગ્યાનું નામ કમળનાથ મહાદેવ છે. અનોખું શિવાલય જ્યા પહાડો, જંગલો અને ખળખળ વહેતી નદીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થાય છે. આ જગ્યા એટલી શક્તિશાળી છે કે કોઈ ખાલી હાથે પાછું જતું નથી તેમજ આવા ગાઢ જંગલો માં જંગલી જાનવરો ભક્તો પર ક્યારેય હુમલો કરતાં નથી.
અહી રાવણની શિવભક્તિ સાથે રાવણ સાથેનું શિવાલય જોડાયું છે. સાબરકાંઠાનો છેવાળો તાલુકો વિજયનગરથી 40 કિલોમીટર ઉદેપુર જિલ્લાના ઝાડોલ ફલાસિયા રોડ પર જતા હાઇવે પર આવેલું મગવાસ ગામ ત્યાંથી માત્ર 6 કિલોમીટર મંદિર તરફ જતા આવરગઢ પહાડો પર રાવણ દ્વારા સ્થાપિત છે આ કમળનાથ મહદેવ. તેની સાથે કહેવાય છે કે આ જગ્યાએ આવરગઢના પરકોટા પર મહારાણા પ્રતાપે પણ આ જગ્યા પર પૂજા પાઠ કરેલી અને ઘાસની રોટલી ખાધેલી.
આવી તપો ભુમિ જવા માટે ડામર રોડ છોડયા બાદ 2 કિલોમિટર આવરગઢ પહાડી રોડ પર જતા રાવણ દ્વારા પ્રસ્થાપિત શનિ મહારાજના દર્શન થાય છે. કહેવાય છે કે પહેલા શનિદેવના દર્શન કર્યા બાદ જ આ શિવાલયના દર્શન પરીપૂર્ણ થાય છે. શનિદેવના દર્શન કર્યા બાદ માત્ર એક કિલોમીટર પગદંડી રસ્તે જતા પહાડો, જંગલોમાં અલગ અલગ વ્રુક્ષો, ઝરણાં, પશુ પક્ષીઓના કલરવ જોવા મળશે. જેનો અનુભવ કરીને યાત્રિકો મંત્રમુગ્ધ બની જાય છે. જેમ જેમ શિવાલય નજીક આવે તેમ તેમ રોમાંચિત અનુભૂતિ લાગે કે તમે ભગવાન શિવન કૈલાશધામ આવી પહોંચ્યા હોવ.
અન્ય મંદિરો કરતાં અલગ કેમ છે આ મંદિર..?
આ કમળનાથ મહાદેવ મંદિર અદભુત અને અવિસ્મરણીય મંદિર છે. જે આ શિવાલયની યોનીનું માર્ગ પૂર્વ દિશામાં છે જે બીજા મંદિરો કરતા અલગ છે. જ્યા ઉત્તર દિશા કમળનાથ શિવલીગ સમીપ રાવણની મૂર્તિ છે જે પહેલા રાવણની પૂજા કર્યા બાદ જ અહી શિવજીની પૂજા થાય છે. શિવ મંદિરમાં પ્રવેશતા જ ગૌમુખ ગુપ્ત ગંગાની ધારા અવિરત બારે માસ વર્ષોથી અવિરત વહેતી રહે છે તે ધારા પર જ શિવલીગ સ્થાપિત છે. આ ગુપ્ત ગંગા ક્યાંથી આવે છે અને ક્યાં ગુપ્ત થાય છે તે ગુપ્ત ગંગાજળ જોવા મળતું નથી.
ઈતિહાસ વર્ણવતા પૂજારી બનવારી શરણ શાસ્ત્રીએ કહ્યું કે આ કમળનાથ મહાદેવનો પુરાણોમાં પણ લેખ છે. રાવણ કૈલાશ પરથી શિવજીની શિવલીગ સ્વરૂપે લંકા પર લઈ જવા નીકળ્યા હતા ત્યાં ભગવાન શિવે પરિક્ષા લેવા રાવણને લગુશકાની અસર આપી. જ્યા ભગવાન શિવ ગોવાળિયાનું રૂપ ધારણ કરીને ત્યાં ઉભા રહયા. રાવણે તેમના હાથમાં શિવલીગ આપ્યું અને કીધું કે આ શિવજી સ્વરૂપે સાક્ષાત છે. શિવલીગને જમીન પર ન મુકશો નહિતર અહિયા જ શિવજી પ્રસ્થાપિત થશે. જેવો રાવણ લઘુશંકા એ ગયા કે ત્યાં જ શિવલીગને આવરકોટના પહાડો વચ્ચે જંગલોમાં મૂકી દેતા ત્યાં શિવ પ્રસ્થાપિત થયાં. રાવણ જોતાવેંત આવેશમાં આવ્યો ત્યારે તેણે ફરીથી શિવજીને મનાવવા અને રીઝવવા અને લંકા સાથે લઈ જવા માટે 108 કમળની પૂજા વિધિ સાથે હવન શરૂ કર્યું.
રાવણની પૂજાને લાંબો સમય વીતતો ગયો. શિવ આરાધનામાં લીન થયા. શિવ અને બ્રહ્માજી દ્વારા લોકોના ઉદ્ધાર્થ હેતુ એક કમળ અલોપ કર્યું તે રાવણને એક કમળ ન મળતા રાવણે પોતાના તપોબલ દ્વારા પોતાનું શીશ કાપી શિવને સમર્પિત કર્યું. આથી કહેવાય છે કે શિવજીની અસીમ કૃપા વરસી અને રાવણના નાભિથી અમૃત જળતું થયું. જે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. શિવજીએ કીધું કે આ જગ્યાની ટોચ પર હવન યજ્ઞ કર તો હું પ્રસન્ન થઈશ અને તારા જોડે આવીશ. તેથી જ કમળની પૂજા કર્યા બાદ શિવજીના દર્શન થતા આશીર્વચન આપેલા કે સર્વ પ્રથમ અહીંયા તારું નામ પછી મારા દર્શન થશે. આમ રાવણની પૂજા કર્યા બાદ કમળનાથ મહાદેવના દર્શન થાય છે. મહાદેવના દર્શન કરી લોકો પોતાની જાતને ધન્ય માને છે.
ગુજરાતનું હરિદ્વાર મનાય છે આ સ્થળ
લાખો શ્રદ્ધાળુઓની માનેલી માનતા અહીં પરીપૂર્ણ થાય છે. આ જગ્યાને હરિદ્વાર તરીકે પણ માનતા હોય છે. ઘણા લોકો પોતાની સ્વજનોની અસ્થિ પણ વિસર્જન કરતા હોય છે. આજુબાજુના પહાડોમાં એક પહાડ રાવણ ટૂંક અને બીજી વાનર ટૂંક તરીકે ગણાય છે. આવરગઢના પર્વતોમાં ચમત્કારી ભૈરવ અને હનુમાનજી સાક્ષાત હાજર છે જયાં પહેલા રાવણની પુજા, શિવપૂજા અને પછી ભૈરવનાથ, હનુમાનજીના દર્શન કર્યા બાદ યાત્રા અને કામનાઓ સફળ થાય છે તેમ લોકવાયકા છે. આ જગ્યા પર જો તમારી શ્રધ્ધા અતૂટ હોય તો કમળનાથ દ્વારા કમળ ફૂલ પ્રાપ્ત થાય છે તેમ પણ કહેવાય છે. આ જગ્યા પર દેવી દેવતાઓ બિરાજમાન છે. આ જગ્યા પીકનીક માટે પણ વખણાય છે. ગુજરાતની સાથે સાથે મહરાષ્ટ્ર, રાજસ્થાન, યુપીના લોકો પણ આવે છે.
એક રાવણ ટૂંક અને બીજી વાનર ટૂંકનો ઈતિહાસ
આ કમળનાથ મહાદેવ રાવણનું મસ્તક ધરતા ત્યારે શિવને રીઝવવા આ મંદિરની સમીપ રાવણ ટુક એટલે ઉંચાઈ પર રાવણ અવારનવાર આ ફળ પર આવતા અને શિવને રીઝવવા પુષ્પક વિમાન દ્વારા પહાડની ટોચ પર આવતા અને અહીંયા આ સૌથી ઉંચી ચોંટી પર શિવજીનું તપને યજ્ઞ કરતા હતા. જે હાલમાં પણ એક ફૂટ કરતા મોટી પથ્થર અને માટીમાંથી બનેલી અલગ પ્રકારની યજ્ઞ કુંડ અને તે જગ્યા હાલમાં જોવા મળી રહી છે. જે સામેની બાજુએથી વાનર ટૂંક થી હનુમાનજીએ છલાંગ લગાવીને આ જગ્યાને ધ્વસ્થ કરેલું તે છતાં રાવણે આ જગ્યા પર શિવની પૂજા માટે આવતા તેથી આ જગ્યાને રાવણ સાથે અને હનુમાન સાથે જોડાયેલી આ પવિત્ર તપોભૂમિને જોઈને લોકો પોતાની જાતને ધન્ય માનતા હોય છે. આ જગ્યાનો વિકાસ કરવામાં આવેતો આ જગ્યા સ્થાનિક લોકો માટે રોજગારી અને પ્રવાસન ધામ તરીકે મોટી જગ્યા સાબિત થઈ શકે તેમ છે.