- શિવમંદિરોમાં શણગાર સાથે રોશનીથી ઝગમગી ઉઠ્યા: ભક્તો પંચામૃત અભિષેકની સાથે બિલ્વપત્ર અને ધતૂરાના ફૂલ અર્પણ કરી ભોળાનાથને રિઝવશે
શ્રાવણ માસ એટલે ભોળાનાથને પૂજવાનો ખાસ અવસર. અષાઢી અમાસ એટલે કે દિવાસો.. જ્યારથી હિન્દુ ધર્મમાં તહેવારોની શરૂઆત થાય છે. આ દિવસથી જ શ્રાવણ માસનો પ્રારંભ થઇ જતો હોય છે. હિન્દુઓનો સૌથી મોટો ગણાતા પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસની વધાવવા શિવભક્તો ભક્તિમાં તલ્લીન થઇ ગયા હતા અને વહેલી સવારથી શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગૂંજવા લાગ્યા હતા. શિવમંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શ્રાવણ માસ શરૂ થતો હોય શિવમંદિરોમાં શણગાર કરવા ઉપરાંત રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. શિવલીંગ ઉપર મંત્રોચ્ચાર સહિત ગંગાજળની સતત ધારાથી અભિષેક કરવામાં આવશે. મંદિરોમાં સવારના 5 કલાકે મંગળા આરતી, સાંજના 7 કલાકે સંધ્યા આરતી તેમજ બપોરના 3 થી રાત્રિના 10 વાગ્યા સુધી શણગાર દર્શનનો લ્હાવો મળશે. સોમવારે વહેલી સવારથી અભિષેક પૂજા અને દર્શનનો લહાવો લઇ શકાશે. સાંજના 7 કલાકે મહાદેવમાં વિવિધ ફૂલો અને પુષ્પોથી ફૂલવાડી ભરાશે. શિવમંદિરોમાં રૂદ્રાભિષેક સહિત વિશેષ પૂજા – અર્ચના કરવા ભક્તોની ભીડ જામશે.
શિવાલયો આજથી એક માસ માટે હર હર મહાદેવ…ના નાદથી ગુંજી ઉઠશે. ભુદેવો દ્વારા પંચામૃત અભિષેકની સાથે બિલ્વપત્ર અને ધતૂરાના ફૂલ શિવજીને અર્પણ કરી ભોળાનાથને રિઝવશે. નાના-મોટા શિવાલયોમાં ભક્તો દ્વારા દૂધનો અભિષેક તથા પંચામૃત અભિષેક કરાશે. ભક્તો દ્વારા દરરોજ મહાપૂજા તથા મહામૃત્યુંજયના જાપ કરવામાં આવશે.
સોમનાથ દાદાના દર્શન સરળતાથી કરાવવા 300 પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. જિલ્લામાં આવેલા દ્વાદશ જ્યોર્તિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિર ખાતે દુનિયાભરમાંથી દર્શાનાર્થીઓ શ્રાવણ માસમાં વિશેષ અવસરે દર્શન કરવા માટે પધારતા હોય છે. હજારો દર્શનાર્થીઓને ભગવાન સોમનાથના સરળતાથી દર્શન થાય અને દર્શનાર્થીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન અન્વયે સોમનાથ મંદિરની સુરક્ષા અને દર્શાનાર્થીઓની સરળતા અને સુગમતા માટે 300 પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસઆરપી, ઘોડેસવાર પોલીસ, જીઆરડી, ક્યુઆરટી સહિતની ટીમો આ માટે તૈનાત કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરમાં
શ્રાવણ માસના પ્રવિત્ર અવસરે ભાવિકોની ભારે ભીડ રહેતી હોય છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉથી આંકલન કરીને વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.સુરક્ષા માટે તૈનાત રહેનાર પોલીસ કર્મચારીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે. ભારે ભીડ વચ્ચે દર્શનાર્થીઓ સાથે કોઇ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે માનવીય વર્તણુક અંગે પણ પોલીસને સુસજ્જ કરવામાં આવી છે. પોલીસ અને મંદિર ટ્રસ્ટના સુરક્ષા કર્મીઓ વચ્ચે પણ સંયુક્ત બેઠક કરવામાં આવી છે. જેથી બન્ને વચ્ચે તાલમેલ જળવાઇ રહે.આ વર્ષે સોમનાથ મંદિરના પ્રાંગણમાં ખુલ્લી જગ્યા વધી છે. જેને લીધે દર્શનાર્થીઓની ભીડ પણ પ્રમાણમાં ઓછી રહે અને પોલીસ તંત્ર માટે ભીડને નિયત્રિત કરવાનું પણ સરળ રહેશે અને દર્શનાર્થીઓ ઝડપથી ભગવાન મહાદેવના દર્શન કરી શકશે. તેમ જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું.
72 વર્ષ બાદ શુભસંયોગ સોમથી સોમ શ્રાવણ માસ: ગ્રહોના વિશેષ યોગ રચાશે
આગામી સોમવાર તા.પમી ઓગષ્ટથી ભોળાનાથને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ 195ર બાદ પહેલી વખત 7ર વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવશે જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન-અર્ચન-અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે. આ વખતે શ્રાવણ માસ દરમ્યાન દસ વર્ષ બાદ નવ યોગ રચાશે. જેમાં સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ, ગુરૂ-ચંદ્રનો નવપંચમ યોગ, ગુરૂ-ચંદ્રનો ગજકેસરી યોગ, ચંદ્ર-મંગળનો કુબેર યોગ, શનિનો શશક યોગ રચાશે. આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનારા છે. શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે. શ્રાવણ માસની શરૂઆતમાં અમૃતસિદ્ધિ યોગ, પ્રીતિયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાશે તથા શ્રાવણ માસ દરમ્યાન અન્ય 9 જેટલા યોગ જેવા કે અમૃતસિદ્ધિ યોગ, સ્થિર યોગ રાજયોગ, સિદ્ધિ યોગ વિગેરેનો પણ સંયોગ રચાશે જે 9 યોગ 10 વર્ષ બાદ રચાશે. આ વિશેષ યોગમાં શિવ આરાધના કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. વિશેષ યોગ દરમ્યાન રૂદ્રાક્ષ ધારણ કરવાથી પણ શિવ કૃપા પ્રાપ્ત થાય છે.
કાલે દિવાસો : હવે 100 દિવસ તહેવારોના !!
અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરે છે.