શ્રાવણ માસના બીજા સોમવારે યોજાતા ભાતીગળ લોકમેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ
વાંકાનેર પાસેના સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવના પ્રાગટ્ય દીન શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો લોક સાંસ્કૃતિક મેળો આ વર્ષે પણ કોરોનાના ભય તળે બંધ રાખવામાં આવ્યો છે.સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત રતીલાલજી મહારાજ તથા ટ્રસ્ટીઓએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરના ભય તળે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકમેળા બંધના સમાચારો મળે છે ત્યારે વાંકાનેર પાસે યોજાતો આ શ્રાવણ માસનો પ્રથમ મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે.
સાથોસાથ સરકારની ગાઇડલાઇનનું પાલન પણ જરૂરી હોય મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન યોજાતો ભંડારો, મહાપ્રસાદ, સાધુ-બ્રાહ્મણો માટેના અને યાત્રીકો માટે ઉતારાની વ્યવસ્થા પણ આ વર્ષ બંધ રાખવામાં આવેલ છે.નિજ મંદિરમાં પૂજા અર્ચન માટે માત્ર ચાર-પાંચ લોકો જ ક્રમસર માત્ર દૂધ, જલ અને બીલીપત્ર ચઢાવી તુરંત બહાર નીકળી જવાનું રહેશે. જો આ વ્યવસ્થામાં સાથ સહકાર નહીં મળે તો આ પુજાવીધી પણ બંધ કરવાની મંદિરનાં સંચાલકોને ફરજ પડશે.
સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવના દર્શન સવારના 5.00 વાગ્યાથી રાત્રીના 9.00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તે પણ માસ્ક પહેરી દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.શ્રાવણ માસ દરમ્યાન આવતા ઉત્સવો આ મંદિરે ઉજવાતા તે પણ રદ્ કરવામાં આવ્યા છે. પાર્સલ પેકીંગ પ્રસાદ ઘર ચાલુ રાખવામાં આવેલ છે. જેથી યાત્રિકોને પ્રસાદ ઘર સુધી લઇ જવા અનુકૂળ આપવા મહંત, લઘુ મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.