50 શ્રમિકોવાળી બાંધકામ સાઈટ પર ટિફિન ભોજનની સેવા પુરી પાડશે
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કિફાયતી દરે જરૂરી કેલેરીયુક્ત ખોરાક મળી રહે તેમજ તેમનો સમય અને શક્તિ બચે તે માટે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલી બનાવી છે.
જેના બીજા તબક્કાનો શુભારંભ ગત તા. 28 જાન્યુઆરી – 2023 ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાના આશરે 110 દિવસોમાં એક લાખ થી વધુ ટિફિન-ભોજનનો શ્રમિકોએ લાભ લીધો હોવાનું જિલ્લા નિરીક્ષક તેમજ પ્રોજેક્ટ મેનેજરએ જણાવેલ છે.
આ અંગે વિશેષ માહિતી આપતા પ્રોજેક્ટ મેનેજર વિપુલભાઈ જણાવે છે કે, શ્રમિકોને ટિફિનમાં એક કઠોળ, એક મિક્સ શાક, રોટલી, અથાણું અને ગોળ તેમજ સપ્તાહમાં એક વાર સુખડી અથવા શીરા સહિતનું ભોજન પૂરું પાડવામાં આવે છે. જેની કિંમત માત્ર રૂ. 5 લેવામાં આવે છે. આ માટે બાંધકામ શ્રમીકે ઈ-નિર્માણ કાર્ડ મેળવવાનું હોય છે. જે શ્રમિક પાસે કાર્ડ ન હોય તેઓને 15 દિવસ સુધી આધારકાર્ડ પર ટિફિન આપવામાં આવે છે.
રાજકોટ શહેર ખાતે રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ, પાણીનો ઘોડો, કડિયા નાકુ, રામ રણુજા કડિયા નાકુ, નીલકંઠ કડિયા નાકુ, ગંજીવાડા કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહીત 9 કડિયા નાકા ખાતે એવરેજ 1200 જેટલા ટિફિન – ભોજન પૂરું પાડવામાં આવે છે.
વધુમાં પ્રોજેક્ટર મેનેજરએ જણાવ્યું છે કે, કોઈ પણ બાંધકામ સાઈટ ખાતે 50 જેટલા શ્રમિકો ભોજન લેવા માંગતા હોય તો તેઓને સ્થળ પર ભોજન – ટિફિન સેવા પુરી પાડવામાં આવશે. જે માટે સેવા સદન – 3 ખાતે આવેલ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની કચેરી ખાતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે છે.
આ ઉપરાંત શ્રમિકોને બાંધકામ સાઈટ પર ધન્વંતરિ રથ દ્વારા શ્રમિકોને નિદાન-સારવાર તેમજ 17 જેટલા બ્લડ રીપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.
રાજકોટ ખાતે હજારો બાંધકામ શ્રમિકો રોજગારી અર્થે આવતા હોઈ તેઓ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના સાચા અર્થમાં તૃપ્તિનો અહેસાસ કરાવે છે.