ભારત સેવક સમાજ અને યુથ ફોર ડેમોક્રેસી દ્વારા આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલની 7રમી પુણ્યતિથિએ શ્રઘ્ધા સુમનના કાર્યક્રમનું આયોજન પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં મઘ્યસ્થ ખંડમાં યોજવામાં આવેલ હતું. સવારે સરદારની પ્રતિમાએ ફુલહાર વિધી બાદ શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા ગરીમાપૂર્ણ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું.
પ્રારંભે ભારત સેવક સમાજના પ્રમુખ જર્નાદન પંડયાએ સર્વેના સ્વાગત સાથે સરદારના જીવનના પ્રસંગો વર્ણવ્યા હતા. યુથ ફોર ડેમોક્રેસી દ્વારા વિવિધ કાર્યક્રમોની માહીતી એડવોકેટ હિંમતભાઇ લાબડીયા એ આપી હતી. આ તકે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અનામિક શાહે લોખંડી પુરુષના જીવન કવનનાં વિવિધ પ્રસંગોની વાત કરીને આજના યુવા વર્ગને સાંકળીને કાર્યક્રમો યોજવા પર ભાર મુકયો હતો.
કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓમાં યશવંત જનાણી, પરેશભાઇ પંડયા, કૌશિકભાઇ છાયા, હસમુખભાઇ જોશી, અનિરુઘ્ધસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ગઢવી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સેવક સમાજ દ્વારા યુવા વર્ગ માટે વિવિધ આયોજન અને ગરીબ જરુરીયાત મંદ માટે સેવાકિય પ્રોજેકટ ચાલે છે.
અમારી સંસ્થા યુવા વર્ગને સાંકળીને વિવિધ આયોજન કરે છે: હિમંતભાઇ લાબડીયા
યુથ ફોર ડેમોક્રેસી સંસ્થાના પ્રમુખ હિંમતભાઇ લાબડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે આજના યુવા વર્ગે આપણાં આઝાદીના લડવૈયા વિશે જાણવાની જરુર છે, અને લોખંડી પુરુષ સરદારના જીવનમાંથી પ્રેરણા લઇને યુવાનો એ દેશને મજબૂત બનાવવાનો છે.
દેશની એકતા અખંડિતા માટે સરદારના કાર્યો આજે પ્રેરણા રૂપ: જીમ્મી અડવાણી (સામાજીક અગ્રણી)
શિવસેનાના પ્રમુખ અને સામાજીક અગ્રણી જીમ્મીભાઇ અડવાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે દેશની એકતા અખંડિતા માટે સરદાર વલ્લભભાઇના કાર્યો આજે સૌ માટે પ્રેરણારુપ કાર્ય કરે છે. આજના યુવાનોએ તેના જીવન અને કાર્યોથી પ્રેરણા લઇને પોતાનો વિકાસ કરવો જોઇએ.