પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિક્રમ સંવત અનુસાર ભાદરવા મહિનામાં વદ પક્ષને પિતૃપક્ષ કહેવામાં આવે છે. લોકો આ સમયમાં તેમના દિવંગત પિતૃઓના આત્માની શાંતિ અર્થે શ્રાદ્ધ તર્પણ વિધિ કરે છે જેમાં ગાય, કૂતરા અને કાગડાને વિવિધ વસ્તુઓ ખવડાવવાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે આ સમયમાં ગાય, કૂતરા અને કાગડાને ખવડાવામાં આવેલી ચીજો પિતૃઓ સુધી પહોંચે છે અને તેમના અતૃપ્ત આત્માની તૃપ્તિ થતા તેમને દરેક પ્રકારે શાંતિ મળે છે.
ધાર્મિક કથાઓમાં પણ એવું વર્ણવવામાં આવ્યું છે કે દેવ પૂજા પહેલા દરેક વ્યક્તિએ તેમના પિતૃઓની પૂજા કરવી જોઇએ. જ્યારે પિતૃઓ ખુશ હોય ત્યારે ભગવાન પણ ખુશ થાય છે. આ કારણે જ ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં રહેલા લોકો તેમના પરિવારના મોભીને દરેક પ્રકારે સૌથી વધુ આદર આપે છે અને તેમનું માન સન્માન જાળવે છે.
શા માટે પિતૃપક્ષ હોય છે અને શા માટે શ્રાદ્ધ કરવામાં આવે છે?
પિતૃપક્ષમાં આપણા પિતૃઓના આત્માની શાંતિ માટે તેમને શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે જેને શ્રાદ્ધ કર્મ કહેવાય છે. પિતૃઓની મૃત્યુ તિથિ અનુસાર પૂનમ અને એકમથી અમાસ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. જો કોઇ પિતૃપક્ષની મૃત્યુ તિથિ અંગે ચોક્કસ જાણકારી ના હોય તો શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે સર્વપિતૃ તર્પણ થઇ શકે છે અર્થાત્ આ દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ થઇ શકે છે. એવું માનવામાં આવે છે જે મૃત્યુ પછી જે પિતૃઓનું નિયમાનુસર શ્રાદ્ધ કર્મ કરવામાં ના આવે તો તેમના આત્માને શાંતિ મળતી નથી.
પિતૃપક્ષ પાછળ જ્યોતિષીય પરિબળ પણ છે. જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ દોષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે કોઇપણ વ્યક્તિ સફળતાની ખૂબ જ નજીક પહોંચે અને છેલ્લી ઘડીએ કોઇ અગમ્ય કારણસર હાથમાં આવેલી સફળતા છીનવાઇ જાય, સંતાનપ્રાપ્તિમાં સમસ્યા, સંપત્તિનો વ્યય જેવી તકલીફો આવે ત્યારે જ્યોતિષીઓ જાતકની કુંડળીમાં પિતૃ દોષ છે કે નહીં તે જુએ છે. આ દોષ હોવાથી જાતકને સંખ્યાબંધ સમસ્યાઓ થઇ શકે છે. આથી પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ દોષની વિધિ કરવી જરૂરી હોય છે.
ક્યારે શ્રાદ્ધપક્ષ આવે છે?
સામાન્યપણે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં પિતૃપક્ષ આવે છે. વિક્રમ સંવત અને અન્ય ભારતીય પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની પૂનમ અને વદ પક્ષમાં એકમથી અમાસ સુધી પિતૃપક્ષ માનવામાં આવે છે.
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવા માટે કયા પવિત્ર સ્થળો છે?
ભારતમાં એવા કેટલાક પવિત્ર સ્થળો છે જ્યાં તમે પિતૃઓના આત્મની શાંતિ માટે તેમના શ્રાદ્ધકર્મની વિધિ કરી શકો છો. હિન્દુ માન્યતા અનુસાર વારાણસી, ગયા, કેદારનાથ, બદ્રીનાથ, નાસિક, રામેશ્વરમ, યમુનાનગર, ચાણોદ અને અન્ય કેટલાક પવિત્ર સ્થળો છે જ્યાં પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે.