- સવારે રસોઈ કરતી વેળાએ અચાનક આગ લાગતાં દંપતી અને ત્રણ માસુમ બાળકો વિકરાળ આગમાં લપેટાયા
- બાળકોને બચાવવા પિતા ગેસનો સળગતો બાટલો લઈ દાઝેલી હાલતમાં બહાર દોડી ગયા
શાપર વેરાવળમાં આજરોજ વહેલી સવારે એક કારખાનાની ઓરડીમાં રસોઈ બનાવતી વેળાએ ગેસનો બાટલો ફાટતાં તેમાં રહેતા પરપ્રાંતીય પરિવારના પાચ સભ્યો આગની ઝપેટમાં આવી જતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાટલો ફાટતાં માસુમ બાળકો વધુ દાઝી ન જાય તે માટે પિતા સળગતો બાટલો લઈ દાઝેલી હાલતમાં ઓરડીની બહાર દોડી આવ્યા હતા. હાલ ત્રણ માસુમ બાળકો સહિત પાચ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળમાં આવેલા પકડ અને સાણસી બનાવવાના એસ.કે. ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય ધરમરાજ રામનારાયણ ભારતીયા (ઉ.વ.૩૨), તેની પત્ની કુસુમા(સુષ્મા) (ઉ.વ.૨૯), પુત્રી આકાંક્ષા (ઉ.વ.૬), પ્રિયાંશા (ઉ.વ.૪) અને શિવાનિયા (ઉ.વ.૨) ગેસનો બાટલો ફાટતાં આગની ઝપેટમાં આવી જતા તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી વધુ વિગત મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી પરપ્રાંતીય પરિવાર શાપરમાં પેટિયું રદે છે. આજરોજ વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ ધરમરાજ રસોઈ કરવા માટે ગેસ સળગાવ્યો ત્યારે એકાએક ગેસ લીકેજ થતાં ઓરડીમાં આગ લાગી હતી. જેના કારણે આજુબાજુ પડેલા ગાદલા અને ગોદડા સળગતા બાળકો અને તેની પત્ની પણ પળવારમાં આગની ઝપેટમાં આવી ગયા હતા. પિતાએ પોતાના બાળકોને આગની ઝપેટથી બચાવવા માટે પોતે ગેસનો સળગતો બાટલો લઈ દાઝેલી હાલતમાં ઓરડીની બહાર દોડી ગયો હતો.
આગની ઘટનાને પગલે ચિચયારિયો થતા ઉપર રહેતા અન્ય મજૂરો પણ નીચે દોડી આવ્યા હતા અને આગની ઝપેટમાં આવેલા દંપતી અને માસુમ બાળકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં દાખલ કર્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.