રાષ્ટ્રસંતના શ્રીમુખેથી ‘આગ્રહ ભાવથી મુકત બની નમી જવાનો’ બોધ મેળવતા હજારો ભાવિકો
એકબીજા સાથે ક્ષમાયાચના કરવાનો પરમ કલ્યાણકારી બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સંવત્સરી પર્વ પૂર્વે હજારો ભાવિકોને ‘ખત્મ કરી પાસ્ટની સ્ટોરી, કહી દયો એકબીજાને આઇ એમ સોરી ’નો અનુરોધ કર્યો હતો. કોરોનાનો કહેર વર્તાતો હોય તેમ છતાં જો પ્રભુની મહેર વરસી જાય અને ગુરૂના હૃદયમાં ’તરું અને તારું’ ની લહેર ઉછાળા મારતી હોય તો દેશ-વિદેશના ખૂણે ખૂણે વસતાં ભવ્ય જીવોને પર્વાધિરાજ પર્વની આરાધનાનો યોગ કરાવી શકાય એની જીવંત સાક્ષી પૂરાવી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે છેલ્લાં સાત દિવસથી અત્યંત ભક્તિભાવે ઊજવાઇ રહેલાં પર્વાધિરાજ પર્વના ઓનલાઇન આરાધના મહોત્સવમાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના મળીને હજારો હજારો ભાવિકો અહોભાવથી જોડાઈ ગયાં છે.
અત્યંત ભાવવાહી શૈલીમાં ક્ષમાધર્મનો સંદેશ આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, દ્રવ્ય આરાધના અને બાહ્ય વિશુધ્ધિ સાથે ભાવઆરાધના અને આંતરિક વિશુધ્ધિકરણ માટે પર્વાધિરાજ પર્વના દિવસો પરમાત્માએ પ્રરૂપિત કર્યા છે. પ્રભુ કહે છે, સત્યનો આગ્રહ અંતે અહંકારમાં પરિવર્તિત તો હોય છે. માટે જ સત્યનો આગ્રહ તે પણ અધર્મ ન બને તે જોવુ જરૂરી છે.
દરેક પરિવાર, દરેક સંઘ, દરેક સમાજ, દરેક સંપ્રદાય અને દરેક રાષ્ટ્રની વચ્ચે જ્યારે જ્યારે પણ સંઘર્ષ ઉભા થયાં છે ત્યારે તેની પાછળ ‘આઇ એમ રાઇટ’ નો આગ્રહ જ કારણભૂત હોય છે. દરેકની અલગ-અલગ માન્યતા કે વિચારધારા હોઈ શકે પરંતુ જ્યારે આપણે આપણી જ માન્યતાની પક્કડ રાખીએ છીએ ત્યારે અલગ અલગ મત અને સંપ્રદાયોનું સર્જન થતું હોય છે.
અહંકારભાવથી મુક્ત બનીને જેમની સાથે કડવાશ ઊભી થઈ એમની સાથે ક્ષમાયાચના કરીને આ સંવત્સરી પર્વને સાર્થક કરી લેવાનો સંદેશ આપીને પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જ્ઞાનનો અહંકાર પણ વોરનું સર્જન કરે છે. અહંકારના કારણે જ આપણે બીજાની ભૂલ બતાવતાં હોઈએ છીએ. જ્ઞાનના અહંકારના કારણેજ આપણો બીજાન સજેસન આપવાનો નેચર બની જતો હોય છે. પરંતુ પરમાત્મા કહે છે, બીજાની ભૂલ બતાવવી તે આપણાં અહંકારની મોટી ભૂલ હોય છે. હું તો કોઈ ભૂલ કરું જ નહીં, મારામાં કોઈ ભુલ કાઢી જ ન શકે એનાથી મોટી ભૂલ બીજી કોઈ હોતી જ નથી. જ્યાં સુધી કોઈ આત્મા ભગવાન નથી બની જતાં ત્યાં સુધી પળે પળની ભૂલ થતી જ હોય છે. પણ મારાથી કોઈ ભૂલ થઈ જ ન શકે એવા અહંકારભાવની વિશુધ્ધિ ન થાય ત્યાં સુધી આપણે નમી નથી શકતાં. સંવત્સરી તે ઝૂકી જવાનો દિવસ છે નમી જવાનો દિવસ છે!
ક્ષમાધર્મના પરમ ગુરુદેવના આવા અમૂલ્ય બોધ વચનોની સાથે આ અવસરે રાજકોટના રોયલપાર્ક સંઘી પૂજ્ય શ્રેયાંસીબાઈ મહાસતીજીએ પ્રેરણાત્મક પ્રવચન આપી સહુને પ્રેરિત કર્યા હતાં. આ અવસરે પરમ મહાસતીજીઓ રચિત પ્રેરણાત્મક નાટિકા ‘ફાઇટર યોર ફાસ્ટ’ની સુંદર પ્રસ્તુતિ સાથે દરેક તપસ્વી ભાવિકોને પોતાની તપશ્ચર્યાની આરાધનાની વિશુધ્ધિનો બોધ આપવામાં આવ્યો હતો. જે શાસનમાં સ્થાન પામીને અનંત આત્માઓ સંસાર સાગર તરી રહ્યાં છે એવા જિનશાસન પ્રત્યે આ અવસરે અત્યંત અહોભાવથી કરાવવામાં આવેલી શાસન વંદના હજારો ભાવિકોને જિનશાસન પ્રત્યે અભિવંદિત કરી ગઈ હતી.