વૈશ્વિક વહાણવટાની ધોરી નસ સુએજનો હજુ 150 વર્ષ થયા છતાં કોઈ પર્યાય મળ્યો નથી
સમગ્ર વિશ્વના વૈશ્વિક વેપાર અને વહાણવટાની ધોરી નસ ગણાતી ઈજીપ્તની સુએજ નહેરમાં ફસાયેલા વહાણથી સુએજનો દરિયાઈ રસ્તો બંધ થઈ ગયો હતો. જે ફસાયેલુ જહાજ બહાર નીકળી જતાં ફરીથી સુએજ નહેર ધમધમવા લાગી છે. વિશ્વ માટે યુરોપ અને એશિયાને જોડતી એકમાત્ર સુએજ કેનાલ વિશ્વ વેપારની કરોડરજ્જુ બની રહી છે. સુએજમાં ફસાયેલુ જહાજ બહાર નીકળી જવાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી.
ઓટોમન શાસકોએ 18મી સદીમાં બનાવેલી કૃત્રિમ નહેર સમગ્ર વિશ્ર્વના વહાણવટા માટે ધોરી નસ બની રહી છે. યુરોપ અને એશિયાની જોડતી અને રાતા સમુદ્રના મુખદ્વાર પાસેની આ કેનાલ વર્ષે હજારો જહાજોનું મુખ્ય માર્ગ બની રહી છે. સુએજ કેનાલ ગયા અઠવાડિયા જહાજ ફસાઈ જવાથી બંધ થઈ હતી જે ફરી શરૂ થઈ હોવાનું સુએજ કેનાલના ઓથોરીટી હેડ ઓસામા રાવીએ જાહેર કર્યું હતું.
સુએજ કેનાલ ઓથોરીટી દ્વારા એક વીડિયો જારી કરીને સુએજ કેનાલ ફરીથી શરૂ થઈ ગયાનું જાહેર કર્યું હતું. મને ખુબજ આનંદ સાથે આ જાહેરાત કરવામાં રોમાંચ થાય છે કે, વહીવટી તંત્રએ સુએજ કેનાલને ફરીથી શરૂ કરવામાં સફળતા મેળવી છે. સમગ્ર વિશ્વના 10 ટકાથી વધુનું જળ પરિવહન સુએજના માધ્યમથી થાય છે અને વર્ષે 19 હજારથી વધુ જહાજો નહેરમાંથી પસાર થાય છે અને વિશ્વના કુલ ક્રુડ પરિવહનના 7 ટકા જેટલો જથ્થો સુએજમાંથી પસાર થાય છે. 150 વર્ષથી ઉપયોગમાં આવતી સુએજનો હજુ કોઈ પર્યાય મળ્યો નથી. રશિયાએ સુએજનો વિકલ્પ ઉભો કરવા ઉત્તર સમુદ્રનો રૂટ બનાવવાનું આયોજન કર્યું છે પરંતુ આજની તારીખે હજુ દુનિયાને સુએજનો વિકલ્પ મળ્યો નથી. ગઈકાલે સુએજ શરૂ થઈ જતાં વિશ્વના તમામ દેશોએ હાશકારો અનુભવ્યો છે.