વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં દેશ માટે આર્થિક વિકાસની સાથેસાથે સામાજીક સંતુલન અને ખાસ કરીને સાક્ષારતા અને વસ્તી વધારાના દર પર પૂરેપૂરુ ધ્યાન આપવું અનિવાર્ય છે. 21મી સદીના વિશ્ર્વમાં વસ્તી વિસ્ફોટને વિકાસ આડેનો સૌથી મોટો અવરોધ ગણવામાં આવે છે. ભારત, ચીન જેવા વધુ વસ્તી ધરાવતાં દેશ માટે વિકાસ સાથેસાથે વસ્તી વધારાનું દર પણ નિયંત્રિત કરવું અનિવાર્ય છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારે બે બાળકો બસ અને વસ્તી વધારા નિયંત્રણ માટેનો કાયદો લાવવાની કરેલી કવાયતે સમગ્ર દેશમાં વસ્તી વધારાની સમસ્યાની ચર્ચાની સાથેસાથે ઉત્તર પ્રદેશ સરકારના આ પ્રયાસને રાજકીય રંગ આપવાના ઉભા થયેલાં માહોલે ભારે વાવાઝોડું ઉભુ કર્યું છે.
ઉત્તર પ્રદેશની ભાજપ શાસીત યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં વસ્તી નિયંત્રણ કાયદામાં બે થી વધુ બાળકો ધરાવનારાઓને સરકારની કોઇપણ સહાયનો લાભ ન મળવાં દેવા નિયંત્રણો લાવી વસ્તી વધારા દરને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યાનો દાવો કર્યો છે. જો કે યોગી આદિત્યનાથના આ નિર્ણયના રાજકીય વિરોધનો પ્રારંભ એન.ડી.એ.ના સાથી અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કાયદાથી વસ્તી નિયંત્રણ ન આવે તેના માટે યોગ્ય શિક્ષણ અને ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિ જગાવવી જોઇએ.
વસતી વધારાનો અભિશાપ દૂર કરવા કાયદો કારગત થાય કે સમજણ ?
વસતી વધારાની સમસ્યાની ગઇકાલ અને આજમાં મોટો તફાવત આજના યુવા વર્ગમાં જવાબદારીની સજાગતાના કારણે હવે ફેમિલી પ્લાનિંગથી આગળ વધીને બેબી પ્લાનિંગનો ક્રેઝ
જનતા દળ કે દરબાર મેં કાર્યક્રમમાં નિતિશ કુમારે જણાવ્યું હતું કે વસ્તી વધારા મુદ્દે મારો મત સ્પષ્ટ છે બિહારમાં અન્ય રાજ્ય કરતા પરિસ્થિતિ સારી છે. ભાજપ સાથી જનતા દળ યુનાઇટેડ શાસિત બિહારમાં સૌથી ઓછો 1.6 ટકા વસ્તી વૃધ્ધિ દર છે. અગાઉ રાજ્યનું જન્મદર 4 હતું તેને ઘટાડીને 3 ટકા પ્રાપ્ત કર્યું છે. 2040 સુધીમાં બિહારની વસ્તી દર સૌથી ઓછો હશે. જો કે ભાજપના નેતા ગીરીરાજસિંહે વસ્તી વધારાને દેશના વિકાસનો શત્રુ ગણાવ્યો હતો. જ્યારે ભાજપના જ નેતા અને લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તર પ્રદેશના વસ્તી વધારા વિરોધી કાયદાને હિમાયત કરી જણાવ્યું હતું કે જે લોકો ઉત્તર પ્રદેશ વસ્તી નિયંત્રણ કાયદાને કોમવાદનો રંગ ચડાવે છે તે ખરેખર દેશના દુશ્મન છે. મુખ્તાર અબ્બાસ નકવીએ આ કાયદાનો વિરોધ કરનારને આડે હાથે લીધા હતાં.
બીજી તરફ ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસ્તી વધારા નિયંત્રણનો કાયદો લાગૂ કરવો જોઇએ. ગુજરાતમાં જો કે રાજકીય રીતે આ કાયદો અમલમાં હોય તેમ પંચાયતી રાજની ચૂંટણીમાં બે બાળકોથી વધુ સંતાનો ધરાવતા લોકોને ચુંટણી માટે ગેરલાયક ઠેરવ્યા છે. વસ્તી વધારો વિકાસ માટે મોટો અવરોધરૂપ પરિબળ છે ત્યારે તેને અટકાવવા માટે કાયદા કરતાં સમજણ વધુ અસરકારક હોવાનું બુધ્ધિજીવીઓ માને છે.