ભારતમાં 60થી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 10 ટકા, 2050માં આ સંખ્યા બમણી થઈને 20 ટકા થઈ જશે
અબતક, નવી દિલ્હી : શુ લોકોઈ 60 વર્ષની ઉંમરે નિવૃત થઈ જવું જોઈએ ? આ પ્રશ્ન ઘણાના મનમાં ઉદ્દભવીત થતો જ હોય છે. ઉપરાંત બીજી બાજુ આંકડાકીય વિગતો જોઈએ તો ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 10 ટકા છે. અને આ સંખ્યા વર્ષ 2050માં બમણી થઈને 20 ટકાએ પહોંચવાની છે. જો 60 વર્ષની ઉંમરે નિવૃત થવું જોઈએ આ પ્રશ્નનો જવાબ હા હોય તો ભારતના 10 ટકા લોકો કાર્ય કરતા બંધ થઈ જશે. જેની અર્થ વ્યવસ્થા ઉપર ગંભીર અસર પણ પડી શકે છે. માટે આ પ્રશ્નનો જવાબ બધા માટે સરખો આપી ન શકાય.
ભારતમાં પહેલાના સમયમાં સરેરાશ આયુષ્ય ખૂબ ઓછી હતી. ત્યારે જન્મદર ખૂબ ઊંચો હતો. પણ સામે મૃત્યુઆંક ખૂબ વધુ હતો. તબીબી વ્યવસ્થા બરાબર ન હોય બીમારીઓ વ્યાપક પ્રમાણમાં લોકોને મોતના મુખમાં લઈ જતી હતી. પણ હવે પહેલા કરતા ઊલટું ચિત્ર સામે આવ્યું છે. હવે લોકો બેબી પ્લાનિંગ પણ ખૂબ સમજી વિચારીને કરતા થયા છે. જેથી જન્મદર પહેલાની સાપેક્ષે નિયંત્રણમાં છે. બીજી બાજુ તબીબી વ્યવસ્થા પણ સારી એવી હોય મૃત્યુઆંક પણ પહેલાની સાપેક્ષે ઘટી ગયો છે.
ત્યારે હવે સિનિયર સીટીઝનની સંખ્યા પણ પહેલા કરતા વધી ગઇ છે. એક અંદાજ મુજબ દેશમાં કુલ વસ્તીની 10 ટકા જેટલી જનસંખ્યા સિનિયર સીટીઝનની છે. ઉપરાંત એક સર્વે મુજબ આ સંખ્યા 2050માં હજુ બમણી થઈ જવાની છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય કે સિનિયર સિટીઝને 60 વર્ષે નિવૃત્તિ જાહેર કરી દેવી જોઈએ કે નહીં? હવે ચોક્કસ રીતે તો આ પ્રશ્નનો જવાબ હા, કે નામાં ન આપી શકાય. પણ જો સિનિયર સીટીઝન હજુ કાર્યક્ષમ હોય કોઈ આવડતમાં સક્ષમ હોય તો જરૂર તેને કાર્યરત રહેવું જોઈએ. જેથી અર્થ વ્યવસ્થામાં પણ તેનું યોગદાન રહે. વધુમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ ફિલ્ડમાં જો સિનિયર સીટીઝન પોતાનું સ્થાન જમાવી રાખે તો યુવાઓને તક મળતી નથી. આવા કિસ્સાઓમાં સિનિયર સીટીઝનોએ યુવાઓને તક પ્રદાન કરવા માટે પણ નિવૃત્તિ લેવી જોઈએ.
સક્ષમતા ન હોય તો યુવાધનને અડચણરૂપ બનવા કરતા નિવૃત્તિ લઈ લેવી જોઈએ
જો સીનીયર સીટીઝન કોઈ કામ માટે સક્ષમ ન હોય તો યુવા ધનને અડચણરૂપ બનવા કરતા તેને નિવૃત્તિ લઇ લેવી જોઈએ. ઘણા ફિલ્ડમાં તકો મર્યાદિત હોય છે. અનુભવના લીધે સિનિયર સીટીઝનો તેમાં પોતાનું સ્થાન ખૂબ મજબૂત રીતે જમાવીને બેઠા હોય છે. પણ જો પોતે સક્ષમ ન હોય તો તેઓએ પોતાનું સ્થાન છોડી દેવું જોઈએ. જેથી યુવાધનને તક મળતી રહે. જેથી તેઓ તેમની કારકિર્દી બનાવી શકે.
ઉલ્લેખનીય છે કે સિનિયર સિટીઝનોને પોતાની ઉંમરના લીધે શારીરિક રીતે નબળા થઈ ગયા હોય છે. આવા સમયે તેઓ પહેલા જેવા સક્ષમ રહેતા નથી. જો કે બધા માટે આવું નથી હોતું. ઘણા કિસ્સામાં આ વાત અપવાદ પણ હોય છે. પણ જો કાર્યક્ષમતા ઓછી થઈ હોય તો સિનિયર સિટીઝનોને યુવાધનને તક આપવા માટે નિવૃત્ત થઈ જવું જોઈએ.