સમાજવાદી પાર્ટી શત્રુઘ્નસિંહાને ટિકિટની ઓફર આપી વારાણસીમાં પીએમ મોદી સામે ઉભા રાખે તેવી વકી
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે જેને લઈ તમામ રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી પાસેથી વડાપ્રધાનનું પદ છીનવા કોંગ્રેસ મહાગઠબંધનની કવાયત હાથધરી છે પરંતુ પીએમ મોદી સામે કયો ચહેરો ઉભો રાખવો તે મુદ્દે હજુ મતમતાંતર છે તેવામાં બોલીવુડ અભિનેતા અને ‘શોટગન’ તરીકે જાણીતા શત્રુઘ્નસિંહા પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાંથી લોકસભાની ચુંટણી લડે તેવી શકયતા છે.
પોતાના જ દળ વિરુઘ્ધ આક્ષેપબાજી માટે ચર્ચામાં રહેતા શત્રુઘ્નસિંહા પહેલેથી જ ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરતા રહ્યા છે ત્યારે તાજેતરમાં લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય ખાતે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી નિમિતે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને નામ લીધા વગર પીએમ મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશંવતસિંહા અને અખિલેશ યાદવ પણ હાજર હતા.
સમાજવાદી પાર્ટીના નેતાઓએ પણ સંકેત આપ્યા છે કે પાર્ટી બોલીવુડ અભિનેતા શત્રુંઘ્ન સિંહાને વારાણસીમાં ઉતારી શકે છે. સમાજવાદી પાર્ટી તેમને ટીકીટની ઓફર આપી શકે છે. કારણકે પીએમના ગઢ એવા વારાણસીમાં શત્રુઘ્ન સિંહા લોકપ્રિય છે અને કાયસ્થ સમુદાયના લોકો તેના સમર્થનમાં છે.
આથી ચર્ચાઈ રહ્યું છે કે ‘શોટગન’ આગામી લોકસભા ચુંટણીમાં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ભીડાશે. આ મુદ્દે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં અખિલેશ યાદવને પણ ઘ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે, વારાણસીમાં શત્રુઘ્ન સિંહા સંભવિત ઉમેદવાર હોય શકે છે.