ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચતા જાનહાનિ ટળી
પ્રથમ માળે ફસાયેલા મહિલા અને બાળકીને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કઢાયા
જામનગરમાં શરૂસેક્શન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ દસ માળના બિલ્ડિંગમાં અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલી ઈલેક્ટ્રીક ની કેબીનમાં જવા લાગ્યા હતા. અને ધુમાડાના ગોટેગોટા નીકળતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને ધુમાડાના ગોટા ની વચ્ચે ફાસાયેલી એક મહિલા અને એક બાળકીને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધા હતા. જયારે વીજતંત્ર એ બિલ્ડીંગ નો વીજ પુરવઠો બંધ કર્યા પછી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબૂમાં આવી જતાં બિલ્ડિંગના અન્ય રહેવાસીઓ માં હાશકારો થયો હતો. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર મા લગાવેલા ૬૮ વીજમીટર બળીને ખાખ થઈ ગયા છે.
આગની ઘટનાની વિગતો એવી છે કે જામનગરમાં સરુ સેક્શન રોડ પર શીવમ પંપ નજીક આવે ગુરુકૃપા નામના દસ માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રીકના મિટર ની કેબીન બનાવેલી છે. જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે સાંજે છ વાગ્યાના અરસામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થવાના કારણે સૌપ્રથમ તણખા ઝર્યા હતા અને કડાકા ભડાકા થયા હતા. ત્યાર પછી વીજવાયરો સળગવાના કારણે ધુમાડાના ગોટેગોટા બિલ્ડીંગની બહાર નીકળેલા જોવા મળ્યા હતા. જેથી બિલ્ડિંગમાં રહેનારા લોકોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે સ્થાનિક રહેવાસી એ ફાયર બ્રિગેડને જાણ કરતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથોસાથ વીજતંત્રની પણ ટૂકડી દોડી આવી હતી અને સૌપ્રથમ બિલ્ડીંગનો વીજ પુરવઠો બંધ કર્યો હતો.
ધુમાડાના ગોટા ફેલાઈ જતા બિલ્ડિંગના પ્રથમ માળે એક મહિલા અને એક બાળકી ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટુકડીના જવાનોએ સૌપ્રથમ બંનેને રેસ્ક્યુ કરીને ધુમાડાની વચ્ચેથી બંનેને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યાર પછી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં લગાવેલા ફાયર ના બાટલા વડે આગ બુઝાવવા નો પ્રારંભ કર્યા પછી પાણીનો મારો ચલાવી સમયસર આગને કાબૂમાં લઈ લીધી હતી. જેથી બિલ્ડીંગના ઉપરના ભાગમાં આગ પ્રસરતી અટકી ગઈ હતી. અને બિલ્ડિંગના અનેક રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
આગની ઘટના સમયે બિલ્ડિંગમાં અનેક લોકો ઉપરના માળે હતા. પરંતુ તેઓને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. માત્ર પ્રથમ માળે થી બે વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. આગના કારણે બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં લગાવવામા આવેલા ૬૮ વીજમીટર બળીને ખાખ થઈ ગયા છે.