બાજુના કારખાનામાં તસ્કર ગેંગે હાથફેરો કર્યો પરંતુ કંઇ ન મળ્યું: સીસીટીવી ફૂટેજમાં પાંચ તસ્કરો દેખાયા
ગોંડલ-રીબડા રોડ પર આવેલા ટેરાફલો અને મારૂતિ રબ્બર નામના કારખાનાને ગતરાતે ચડ્ડીબનીયન ધારી તસ્કર ગેંગના પાંચ શખસોએ નિશાન બનાવી ટેરાફલો નામના કારખાનામાંથી રૂા.14.59 લાખ રોકડાનો હાથફેરો કરી ગયાની અને મારૂતિ રબ્બર નામના કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી-કણકોટ રોડ પર આવેલા ગ્રીનસિટીમાં રહેતા અને રીબડા ગામે ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટેરાફલો નામનું બે બનેવી સાથે ભાગીદારીમાં કારખાનું ધરાવતા પિયુષભાઇ સુભાષભાઇ રાણીપાએ ગોંડલ તાલુકા પોલીસમાં રૂા.14.59 લાખની રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ટેરાફલો નામના કારખાનામાં તપાસ કરતા પાંચ જેટલા ચડ્ડીબનીયનધારી ગેંગના પાંચ શખ્સોએ બારી તોડી બે તસ્કરોએ કારખાનાની ઓફિસમા ઘુસી તિજોરીમાં રાખેલા રૂા.14.59 લાખ રોકડા ચોરી ગયાની જણાયું હતું. પિયુશભાઇ રાણીપાના કારખાનામાં બનાવેલા પાઇપ વેચાણની રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું.
પાંચેય ચડ્ડી બનીયનધારી ગેંગ બાજુમાં આવેલા મારૂતિ રબ્બર નામના કારખાનામાં પણ તસ્કર ગેંગે ખાખા ખોળા કર્યા હતા. પરંતુ તેમાંથી કંઇ ચોરાયુ ન હોવાનું કારખાનેદાર દિનેશભાઇ દેયાણે જણાવ્યું હતું.
ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.જે.પરમાર સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી ચડ્ડીબનીયન ધારી તસ્કર ગેગને ઝડપી લેવા શોધખોળ હાથધરી છે.