એ ગ્રેડ યુનિવર્સિટીમાં ભણવા માટેનો પ્રવેશ મળે છે પરંતુ રહેવાની સુવિધા ન મળતાં અનેક છાત્રો પ્રવેશ રદ કરાવે છે
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે કરોડોનો ખર્ચો કરતી યુનિવર્સિટી તાત્કાલિક નવી હોસ્ટેલ બનાવે તે અનિવાર્ય
એ ગ્રેડ ધરાવતી ગુજરાતની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રહેવાનાં પણ ફાફા પડી રહ્યા છે જોકે યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા ઉંચી-ઉંચી વાતો જ કરવામાં આવે છે જયારે હકિકતમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓની સરખામણીએ હોસ્ટેલની અછત હોય તેવું લાગી રહ્યું છે. એ ગ્રેડ કક્ષાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવા માટે તો પ્રવેશ મળે છે પરંતુ રહેવા માટેની સુવિધા ન મળતાં અનેક ગામડેથી આવતા છાત્રોને પ્રવેશ રદ કરાવવો પડે છે. યુનિવર્સિટીમાં ૪ ગર્લ્સ અને ૪ બોયઝ હોસ્ટેલ હોવા છતાં પણ બહાર ગામથી આવતા તમામ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની પુરતી સુવિધા પણ મળતી નથી. જેથી દર વર્ષે ઘણાખરા વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધાનાં અભાવે પ્રવેશ રદ કરાવી નાખે છે.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટીમાં ભવનની દર વર્ષે અંદાજીત ૬૦ વિદ્યાર્થીઓ એડમીશન લે છે જેમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓ તો બહારગામનાં હોય છે અને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનાં નિયમ છે કે, મેરીટ મુજબ ભવન દીઠ ૪ દીકરી અને ૪ દીકરાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રમાણે હોસ્ટેલમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળી શકે છે. જયારે બાકીનાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે.
બીજી બાજુ વાત કરવામાં આવે તો યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં તો વિદ્યાર્થીઓને રહેવાની જ સુવિધા છે જમવાની સુવિધા આપવામાં આવતી નથી અને રહેવા માટેનાં ૬ માસનાં ૧૫૦૦ રૂપિયા આપવા પડે છે. ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનાં વાર્ષિક રૂ.૩૦૦૦ અને જમવાનાં એક માસનાં રૂ.૧૮૦૦ લેવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા ડિજિટલાઈઝેશનનો ઉપયોગ અને તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની વાત હોય ત્યારે યુનિવર્સિટીની આઠેય આઠ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન છે. જેથી પ્રવેશમાં ગોટાળો પણ થતો હોય તો કહી ના શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીની જેમ ૧૦૦ ટકા વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળવાપાત્ર નથી. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે કરોડોનો ખર્ચો કરતી યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક નવી હોસ્ટેલનું નિર્માણ થાય તે અનિવાર્ય બન્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં ચાલુ વર્ષે અમુક ભવનો તો એવા છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબજ પાંખી જોવા મળી છે સોશીયલ વર્ક,સંસ્કૃત હીસ્ટ્રી , કોમ્પ્યુટર સાયન્સ સહિતના ભવનોમાં ઈન્ટેક કેપેસીટીથી અડધા પણ વિદ્યાર્થીઓએ રહેવાની સુવિધા ન મળતા પ્રવેશ રદ કરાવ્યા છે.