શ્રીમદ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથામાં આજે જોઈએ તો ઈડરના પહાડોમાં વિચર્યા ત્યારે જાતિ સ્મરણજ્ઞાનનું વિશેષપણું થયું હતું. ઈડરના પહાડોમાં લલ્લુજી આદિ મુનિઓને થોડા દિવસનો સમાગમ આપ્યો હતો તે વખતે તેમણે પોતે પૂર્વભવમાં કઈ જગ્યાએ, કઈ રીતે બેસતા, કયાં રહેતા વગેરેનું વર્ણન કર્યું હતું. પોતે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય હતા અને લઘુશંકા કરવા જેટલો પ્રમાદ કરવાથી આટલું ભવભ્રમણ વધી ગયું હતું એવું તેમણે ઉતરસંડા વનક્ષેત્રે શ્રી મોતીલાલ ભાવસારને પ્રમાદ ન કરવાનો બોધ આપતી વખતે જણાવ્યું હતું. તેમણે કલ્યાણજીભાઈને કહ્યું હતું કે અમને આઠસો ભવનું જ્ઞાન છે. ખીમજીભાઈને શ્રીમદે પોતાના પૂર્વભવ સંબંધી સવિસ્તાર જણાવતા કહેલું કે ‘તમારો તો અમારા ઉપર ઉપકાર છે’, એમ દામજીભાઈએ નોંધ્યું છે.
શ્રીમદ્ને સાત વર્ષે થયેલા જાતિસ્મૃતિજ્ઞાનનો સબળ પુરાવો તેમના લખાણમાંથી સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ તેમના સ્વ-આત્મવૃતાંત કાવ્યમાં ‘ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે.’ ૧ પંકિતથી તે અપૂર્વ અનુસાર એ તેમનું જાતિસ્મરણજ્ઞાન હોઈ શકે એવું અનુમાન કરી શકાય છે. વળી, ‘પુનજન્મ છે – જરૂર છે. એ માટે ‘હું’ અનુભવથી હા કહેવામાં અચળ છું’ એ વાકય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે. ૨ તથા પત્રાંક ૨૧૨, ૩૧૩, ૪૬૫ આદિમાં કરવામાં આવેલા અનુભવજન્ય ઉદગારોમાં તેમનું પૂર્વજન્મોનું જ્ઞાન ડોકિયુ કરી જાય છે, જે વાંચતા વિચારતા વિચક્ષણ જનને તેમના જાતિસ્મરણજ્ઞાન વિશે ખાતરી થાય છે.
જાતિસ્મરણજ્ઞાન વિશે શ્રીમદ્ લોકો સાથે વિશેષ ચર્ચામાં ઉતરતા નહીં. તેઓ એવા સાગરસમ ગંભીર હતા કે તેમણે પોતાના પૂર્વજન્મોના જ્ઞાન સંબંધી વાત પ્રાય: કળાવા દીધી ન હતી. કવચિત્ કોઈને પ્રસંગવશાત્ ઈશારો કર્યો હોય તો પણ તેની વિશેષ સ્પષ્ટતા ન કરતા. તે વિશેની કુતૂહલવૃત્તિને ઉત્તેજન આપવાનું તેઓ ટાળતા.
સાત વર્ષની વયે શ્રીમદ્ને જે જાતિસ્મરણજ્ઞાન થયું હતું, તે જ્ઞાને શ્રીમદ્ની સંસાર પ્રત્યેની દ્રષ્ટિ બદલવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને સંસારની અસારતા સમજાતા વૈરાગ્ય તરફ તેમની ગતિ સ્વાભાવિક બની હતી. શ્રીમદ્નો લઘુવયથી દિન-પ્રતિદિન વર્ધમાન થતો પરમ વૈરાગ્ય અને સ્થળે સ્થળે દ્રશ્યમાન થતો સંવેગાતિશય આ જાતિસ્મરણજ્ઞાનનું સહજ, સ્વાભાવિક ફળ હતું. જેમને અનેક ભવોમાં વેઠેલા આધિ-વ્યાધિ-ઉપાધિ તથા જન્મ-જરા-મરણનાં દુ:ખ સ્મૃતિમાં તાજા થયા હોય તથા પૂર્વભવોમાં સત્પુરુષો પાસે સાંભળેલો ઉપદેશ સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતો હોય, પૂર્વે આરાધેલ જ્ઞાન-ધ્યાન-તપની સંધિ થઈ હોય, તેમને સંસાર પ્રત્યે કેવો પ્રબળ વૈરાગ્ય જાગે તથા મુકિતનો માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે સામાન્ય જનની કલ્પનામાં પણ આવવું મુશ્કેલ છે. પોતાના આત્માના અસ્તિત્વ અને નિત્યત્વની પૂર્ણ ખાતરી થતા મોક્ષમાર્ગમાં તેમની પ્રવૃતિ વિશેષ નિ:શંકપણે થવા લાગી અને તેમના પારમાર્થિક જીવનનો વિકાસ ઝડપથી થવા લાગ્યો. આત્મા, કર્મ, તે બન્નેનો સંબંધ, કર્મથી વિમુકિત અર્થાત્ મોક્ષ વગેરે સંબંધી વિચારધારાઓ તેમનામાં પ્રગટી. પૂર્વજન્મોના અનેક અનુભવો તાદશ્ય થતા તેઓ બાલ્યાવસ્થામાં જ જ્ઞાનવૃદ્ધ બની ગયા. આમ, લઘુવયથી શ્રીમદ્ને વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયો તેનું મુખ્ય કારણ જાતિસ્મરણજ્ઞાન ગણવા યોગ્ય છે.