વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં કારણે ભારતમાં ગત ૨૫મી માર્ચથી અલગ-અલગ ૪ તબકકામાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગત ૧લી જુનથી અનલોક-૧નો તબકકો શરૂ કરવામાં આવ્યો છે જેના બીજા સપ્તાહમાં આજથી દેશભરમાં મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો, શોપીંગ મોલ અને હોટલ-રેસ્ટોરન્ટને ખોલવાની મંજુરી આપવામાં આવી છે. ૭૫ દિવસોનાં લાંબા અંતરાળ બાદ આજે રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલા શોપીંગ મોલ અને હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્યા હતા જોકે લોકોની ભીડ નહિવત જોવા મળી હતી.
કોરોનાનાં સંક્રમણને ખાડવા માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. મોલમાં આવતા મુલાકાતીઓને ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે અને તેઓને સેનેટાઈઝ પણ કરવામાં આવી રહ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં બે ટેબલો વચ્ચે સારું એવું અંતર રાખવામાં આવી રહ્યું છે. પુરતી તકેદારી સાથે ધીમે-ધીમે ગુજરાત ગતિશીલ બની રહ્યું છે. (તસવીર: માનસી સોઢા)