લંચ બોક્સ, પાણીની બોટલ, પર્સ, પાઉચ, શોપિંગ બેગ સહિત 50 જેટલી વેરાયટીની ફેશનેબલ ઇકો ફ્રેન્ડલી બેગની ડિમાન્ડ
ગીતાંજલિ સખી મંડળની 30થી વધુ મહિલાઓને મળે છે રોજગારી
અબતક-રાજકોટ
બેગ એટલે કે થેલીની જરૂરિયાત કોઈ પણ પ્રકારની વસ્તુઓ ભરવા માટે પળે પળે આપણને પડતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કપડાંની થેલીનું સ્થાન પ્લાસ્ટિકના ઝભલાઓએ લીધું છે. જેને પરિણામે વિશ્વભરમાં પર્યાવરણ અને પ્રદૂષણના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ત્યારે પુન: આપણે પારંપરિક થેલી કે બેગ તરફ વળવાની જરૂરિયાત ચોક્કસપણે ઉભી થઈ છે.રાજકોટમાં હાલ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા ઉત્કર્ષ, સ્વાવલંબન અને રોજગારીને લગતો શક્તિ મેળો ચાલી રહ્યો છે. જેમાં આણંદની ગીતાંજલિ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાતી જ્યુટ એટલે કે શણની બેગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અહીં વેચાણ અર્થે આવેલા સ્ટોલ ધારક સત્યવાન શર્મા ઉર્ફ સતીશભાઈ જણાવે છે કે, અમે આણંદ પાસેના ગામડી ગામના વતની છીએ. ગીતાબેન અને તેમના ગ્રુપે 2007 મા સખી મંડળની સ્થાપના કરી. અમે લોકોએ શણની પરંપરાગત બેગનું ઉત્પાદન શરુ કર્યું. ધીરે ધીરે બેગની ડિમાન્ડ વધતા અને સમય પ્રમાણે તેમાં વિવિધ કલાત્મક પ્રિન્ટિંગ ડિઝાઈન, કોડી, મોતી, કલર કાપડનું આર્ટ વર્ક ઉમેરી તેને અમે વધુ ને વધુ કલાત્મક બનાવતા ગયા. આજે અમે લંચ બોક્સ અને પાણીની બોટલ માટેની કેરી બેગ, પર્સ, પાઉચ, શોપિંગ બેગ સહીત 50 જેટલી નાની મોટી ફેશનેબલ ઈકો ફ્રેન્ડલી બેગની વેરાયટી તૈયાર કરીએ છીએ. આ બેગ સંપૂર્ણ વોશેબલ હોય છે. અંદર તરફ વોટરપ્રૂફ છત્રીનું મટીરીયલ ઉમેરી તેને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે.
ઈન્ડેક્સ્ટ-સી, ખાદી ગ્રામોદ્યોગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહીતના અન્ય ખાનગી વેપારીઓ તેમનો માલ વેચાણથી લે છે. મહિને 2 થી 3 લાખના માલનું વેચાણ થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.પ્રારંભમાં બધું કામ હાથેથી જ કરતા આ બહેનોના ગ્રુપને આધુનિક અને ઝડપી ઉત્પાદન કરવા માટે રાજ્ય સરકાર મદદે આવી. રૂરલ ટેક્નોલોજી અને માટીકામ બોર્ડ દ્વારા તેઓને આધુનિક સાધન સામગ્રી ખરીદવા માટે રૂ. 55 લાખની લોન સહાય આપવામાં આવી હતી. જેમાંથી શણના કાપડનું ઓટોમેટિક કટિંગ, સિલાઈ મશીન, બ્લોક પ્રિન્ટિંગ મશીન સહીત 8 ઓટોમેટિક મશીન ખરીદી આ કામને મોટા પાયે વિસ્તારવામાં આવ્યું હોવાનું સતીશભાઈ જણાવે છે.ચાઈનાની સામે હરીફાઈ કરતી આ પ્રકારની હેન્ડ બેગ “લોકલ ફોર વોકલ” સૂત્રને સાર્થક કરવાની સાથોસાથ મોર્ડન યુગમાં લૂક સાથે ટકાઉ અને મજબૂત હેન્ડબેગ્સ પરંપરા સાથે મહિલાઓના આર્થિક ઉથ્થાનમાં આગવી ભૂમિકા ભજવી રહી છે.