બે દિવસીય હડતાલનો આજે છેલ્લો દિવસ, રવિવાર સુધી ફિંગરપ્રિન્ટની કામગીરીને લીધે સર્વર બંધ રહેશે

સસ્તા અનાજના દુકાનદારોની બે દિવસીય હડતાલનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ફરી આ દુકાનદારો ૧ માર્ચથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જવાની તૈયારીમાં છે જોકે બે દિવસીય હડતાલનો આજે છેલ્લો દિવસ છે પરંતુ કાલે અને રવિવારે પણ સસ્તા અનાજની કામગીરી ઠપ્પ રહેશે. બે દિવસ ફિંગરપ્રિન્ટની કામગીરીને લીધે સર્વર બંધ હાલતમાં હોવાથી લાભાર્થીને હાલાકીનો સામનો કરવો પડશે.

સસ્તા અનાજના દુકાનદારોએ ઓછુ કમિશન મળતું હોવાથી ગઈકાલથી બે દિવસીય હડતાલનું એલાન આપ્યું હતું. તાજેતરમાં તેઓના કમિશનમાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ આ વધારો ઓછો હોવાથી તેમજ એપીએલ કાર્ડ ધારકોનો અનાજનું વિતરણ તેમજ કેરોસીનનું વિતરણ બંધ કરવામાં આવ્યું હોવાથી તેઓને આર્થિક રીતે માર પડયો હોવાના આક્ષેપ સાથે હડતાલ શરૂ કરવામાં આવી હતી. આ હડતાલનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આગામી એક માર્ચથી ફરી હડતાલ પર ઉતરવાની સસ્તા અનાજના દુકાનદારોએ તૈયારી બતાવી છે.

સાંજે સસ્તા અનાજના દુકાનદારોના એસોસીએશનની કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં એક માર્ચથી અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવા મામલે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે. નોંધનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારો ગઈકાલથી બે દિવસ હડતાલ પર ઉતર્યા છે.

આજે આ હડતાલનો અંતિમ દિવસ છે આ ઉપરાંત આવતીકાલે અને રવિવારે પણ સસ્તા અનાજની કામગીરી બંધ હાલતમાં રહેવાની છે. કારણકે બે દિવસ ફિંગરપ્રિન્ટની કામગીરીના લીધે સર્વર બંધ રાખવામાં આવ્યું છે. આમ સસ્તા અનાજની કામગીરી સળંગ ચાર દિવસ બંધ રહેવાની હોવાથી લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.