ગોડાઉનથી દુકાનોમાં મોકલવામાં આવતી અનાજની ગુણોમાં 500 ગ્રામથી લઈને ત્રણ કિલો અનાજની ચોરી થતી હોવાના આક્ષેપ: એસો. દ્વારા કલેકટરને રજૂઆત
ગોડાઉનથી દુકાન સુધી માલ પહોચાડવા માટે નિમાયેલી એજન્સી ગુણ ઉતારવાના રૂ.5 થી 7 જબરદસ્તીથી પડાવતી હોવાના પણ આરોપ
સસ્તા અનાજના દુકાનદારો હવે પુરવઠા ગોડાઉન તથા ડીલીવરી વાહનો ઉપર જનતા રેડ પાડવાના છે. તેઓ ગોડાઉનમાં થતી ગેરરીતિઓ ખુલ્લી પાડવા આ ઝુૂંબેશ હાથ ધરવાના છે. આ મામલે દુકાનદારોએ જીલ્લા કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતુ.
જિલ્લા અને તાલુકા સ્તરે પણ એફપીએસ સંચાલકો કાયમી ધોરણે પુરવઠાના ગોડાઉનો પરથી મળતા અનાજ ચોરી અને વજનમાં ઓછો જથ્થો મળતો હોવાથી ફરિયાદો કરતા આવ્યા છે . એફપીએસ ધારકો પર ક્યારેય નિયત કર્યા મુજબનો જથ્થો વજનમાં આવતો નથી એવું વારેવારે કહેવામાં આવ્યું હોવા છતાં આ રજૂઆત ધ્યાને લેવાના બદલે એફપીએસ સંચાલકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પુરવઠાના નિગમના નિયમ મુજબ પુરવઠા નિગમમાંથી વ્યાજબી ભાવના દુકાનદારો ને શણના કોથળા સાથે જથ્થાનું વજન 50.570 કિલો હોવું જોઈએ અને પ્લાસ્ટિકના કોથળાનું જથ્થા સાથે નું વજન 50.140 કિલો હોવું જોઈએ પણ ગુજરાતના નાગરિક પુરવઠા નિગમના એક પણ ગોડાઉનમાં નિયત વજનનો સ્ટાન્ડર્ડ જથ્થો આપવામાં આવતો નથી અને ગોડાઉન પર જ 500 ગ્રામ થી 3 કિલો વજનનો જથ્થો ચોરાઈ જાય છે તો એનો જવાબદાર એફપીએસ સંચાલક કેવી રીતે હોઈ શકે ????? નાગરિક પુરવઠા નિગમ ના ગોડાઉન નિયમાનુસાર ચાલે એ માટે જવાબદાર અધિકારી અને તોલમાપ અધિકારી વિભાગના સીધા અંકુશમાં આવતા હોવા છતાં આવી ચોરી ઇરાદાપૂર્વક ચલાવવામાં આવે છે અને સબ સલામત ના બણગા ફૂંકવામાં આવે છે.
નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ઉપર ઉપરાંત નાગરિક પુરવઠા નિગમ દ્વારા ડોર સ્ટેપ ડિલિવરી થી મોકલવામાં આવતા જથ્થા ને માર્ગ પર રોકી ને તથા નિગમ દ્વારા ડિલિવરી કરવામાં આવેલ જથ્થાની વ્યાજબી ભાવની દુકાન ઉપર જઇ ને વજન કરીને આ બાબતે જનતા રેડ કરવામાં આવશે.
આ ઉપરાંત ગોડાઉનથી એફપીએસ સુધી જથ્થો પહોંચાડવાની જવાબદારી સરકારની છે પુરવઠા નિગમ દ્વારા નિમાયેલ એજન્સીને આ કામગીરી ટેન્ડર શરત ના આધારે કરવામાં આવેલ કરારનામાંની શરતો મુજબ સોંપવામાં આવે છે અને આ શરતોને આધીન કામ કરવાનું હોય છે પરંતુ કમનસીબે જે જવાબદારી નિગમ ની છે તે પોતાની જવાબદારી ઈમાનદારી પૂર્વક નીભાવતું નથી દુકાન ઉપર પહોંચાડવામાં આવતા જથ્થા પેટે કંઇ પણ પૈસા આપવાના થતાં નથી છતાં એજન્સીના મજૂરો સંચાલકો પાસેથી મજૂરી પેટે એક ગુણ ઉતારવાના 5 રૂપિયા થી 7 રૂપિયા જબરદસ્તીથી પડાવવામાં આવે છે જે પણ દુકાનદાર પરથી વસૂલાતી ખંડણી જ છે અને જો આ મજૂરી ના ચુકવવામાં આવે તો દુકાનમાં યોગ્ય ગોઠવણથી માલ મુકવામાં આવતો નથી .
મોડી ડિલિવરી આપવા બિન જરૂરી વધારે મોડું કરવા કે પ્લાસ્ટિક પેકિંગના બારદાનમાં હુક નો બિનજરૂરી ઉપયોગ કરી જથ્થાને નુકસાન કરવા જેવા હિનકૃત્યો કરે છે અને એના લીધે થતું માનસિક આર્થિક નુકસાન પણ દુકાનદારના માથે નાખવામાં આવે છે આ સઘળી જવાબદારી પુરવઠા નિગમ ની હોવા છતાં તેનું અમલીકરણ કોઈપણ કારણોસર થતું નથી અને આખરે દુકાનદારને સહન કરવાનું આવે છે તે કેટલા અંશે વ્યાજબી છે ? આ બાબતે કડકાઈ થી યોગ્ય પગલાં લેવા અને એના માટે જવાબદાર એજન્સી કે સ્ટાફ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિનંતી છે કે હાલમાં સરકાર દ્વારા લાભાર્થીઓ ને ઘઉં ચોખા ઉપરાંત ચણા તુવેરદાળ મીઠા ખાંડ અને તહેવાર નિમિતે ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવે છે અને આવી જણસી નિગમ દ્વારા નિયુક્ત એજન્સી મારફતે દર મહિને ગોડાઉન ઉપર સમયસર આપવાની થતી હોય છે
પરંતુ દર મહિને આં જણસીમાં કોઈ ને કોઈ વસ્તુ નિગમ દ્વારા રોકવામાં આવેલ સપ્લયારો દ્વારા સમયસર નિગમ ઉપર ડિલિવરી મળતી નથી અને ક્યારેક તો આખર તારીખમાં માત્ર આવી જણસી નો ગોડાઉન ઉપરથી નિકાલ દર્શાવવા માટે માસ ની આખર તારીખ માં આખરી દિવસે સાંજના 6 કલાકે પણ પુરવઠા નિગમ ના કર્મચારીઓ મનમાની કરી ને ડી સી બનાવી મોડી રાત્રે નિયમ વિરુદ્ધ જથ્થો ઉતારવાની ફરજ પાડે છે. સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ ને પોષણક્ષમ પોષણ મેળવી કુપોષણ સામેની લડત ચલાવવાની ઝુંબેશ ને પણ ફટકો પાડે છે માત્ર બેનર બનાવી દુકાન ઉપર દબાણપૂર્વક જાહેરાત કરારવાથી ગરીબ લાભાર્થીઓની કુપોષણ સામેની લડાઇ ના લડી શકાય એ સત્ય હકીકત પણ સ્વીકારવી જોઈએ.
આમ નિગમ તરફથી કોઈપણ યોજનાનો જથ્થો જે તે માસની 20 તારીખ સુધીમાં પહોચાડવા અને જો આ જથ્થો 20 તારીખ પછી ગોડાઉન ઉપર આવે તો કોઈપણ સંજોગોમાં મોડી ડિલિવરી ના આપવા નોંધ લેવા અને આ બાબતે નિગમના જવાબદાર અધિકારી ને આદેશ આપવા વિનંતી અન્યથા દુકાનદારો દ્વારા આવો આખર તારીખમાં આવતો જથ્થો ઉતારવામાં આવશે નહિ જેની ગંભીરતાથી નોંધ લેવી.