વકીલ કિરીટ જોશીની હત્યામાં પકડાયેલા ત્રણેય આરોપીઓએ હત્યા કર્યા બાદ સલોની બોર્ડરથી નેપાળમાં પ્રવેશી કાઠમંડુ, પોખરામાં આશરો લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા ત્રણેયના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર, અને જયંત ગઢવીની જામનગર પોલીસે કલકત્તાથી ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓેને જામનગર લાવી કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને 14 દિવસની રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.
આરોપીઓ હત્યા નિપજાવી ચાર દેશ અને સાત રાજ્યોમાં આશરો લીધો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપીઓએ હત્યા માટે વાપરેલી છરી કબજે કરવાની બાકી હોય, અત્યાર સુધી કોને કોને આશરો આપ્યો, બોગસ આધારકાર્ડ બનાવવમાં કોણે મદદ કરી વગેરે જેવા મુદ્દાઓની તપાસ કરવાની હોય 14 દિવસના રિમાન્ડની માગણી કરવામા આવી હતી. દલીલોના અંતે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાજામનગર પોલીસે હાલ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. જેમાં ખુલાસો થયો છે કે, દિલીપ પુજારા, હાર્દિક પુજારા અને જયંત ગઢવી 28મી એપ્રિલ 2018ની રાત્રે વકીલ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ જામનગરથી ધ્રોલ, સામખીયાળી થઈ રાજસ્થાન અને ત્યાંથી લખનૌ થઈ નેપાળની સનોલી બોર્ડરથી નેપાળમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ કાઠમંડુ અને પોખરામાં આશરો લીધો હતો.
આરોપીઓ નેપાળથી ભૂતાન અને ભૂતાનથી પરત ભારત આવ્યા ત્રણેય આરોપીઓ નેપાળથી પાછા ભારતના દાર્જીલીંગ આવ્યા હતા અને ત્યાંથી ભૂતાન જતા રહ્યા હતા. ભૂતાનમાં દોઢેક મહિનો રોકાયા હતા અને પરત ભારત ફર્યા હતા. ભારત આવી ભારતના આસામના ગુવાહાટી, નાગાલેન્ડ, વેસ્ટ બંગાળના સીલીગુડી, કલકત્તા, ઓરિસ્સાના ભુવેનેશ્વર અને બિહારના રાયપુર, આંધ્રપ્રદેશના હૈદ્રાબાદ, ચેન્નઈ, રામેશ્વરમ, ક્ધયાકુમારીમાં આશરો લીધો હતો.
ખોટા નામથી પાસપોર્ટ બનાવી વિદેશ ભાગ્યા
ભારતના અલગ અલગ સાત રાજ્યોમાં આશરો લીધા બાદ આરોપીઓએ ખોટા નામથી પાસપોર્ટ બનાવ્યા હતા. દિલીપ નટવર પુજારાએ રાજેશ નટવર ઠક્કરના નામે, હાર્દિક નટવર પુજારાએ સચીન નટવર ઠક્કરના નામે અને જયંત ચારણે, જીજ્ઞેસ અમૃત ગઢવીના ખોટા નામે પાસપોર્ટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાસપોર્ટ બનાવી થાઈલેન્ડ અને સેનેગલમાં રોકાયા હતા. કોરોનાના કારણે લોકડાઉનનો સંપૂર્ણ સમય આરોપીઓ સેનેગલમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. સેનેગલથી પરત ભારત આવી કલકત્તામાં છુપાયા હતા જે વાતની પોલીસને જાણ થતા જ ત્રણેય પોલીસની પકડમાં આવ્યા હતા.
ત્રણેયને છૂપાવવા જયેશ આર્થિક મદદ કરતો
ત્રણેય આરોપીઓને છુપાવવા માટે જયેશ આર્થિક મદદ કરી અને જયંત છેલ્લા 3 વર્ષથી અલગ અલગ રાજ્યો અને દેશમાં ભાગતા ફરતા હતા. સ્વભાવિક છે કે, સામાન્ય માણસ પાસે નાણાં ખુટી જાય. પરંતુ, આ ત્રણેય આરોપીઓને નાણાંકીય તકલીફ ના પડે તે માટે જયેશ પટેલ દર મહિને ત્રણથી પાંચ લાખ રૂપિયાની મદદ કરતો હોવાનો ખુલાસો થયો છે.
હત્યા માટે વાહનોની રાજકોટ-અમદાવાદથી ખરીદી કરી
ત્રણેય આરોપીઓેએ ખૂનના ગુનાને અંજામ આપવા માટે સ્કોડા કાર અમદાવાદથી અને બે મોટર સાયકલની રાજકોટથી ખરીદી કરી હતી. મોટરસાયકલમાં જામનગર સુધી આવી હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ હત્યાના સ્થળ પર અને હાઈવેના ટોલ પ્લાઝા પરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.