Abtak Media Google News
  • છરીના ઘા મારી હુમલાખોરો ફરાર : યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલની અંદર જ ક્ષત્રિય યુવાનની જુની આદાવતમાં હત્યા કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય તે સ્થળે જો હત્યાની ઘટના બને તો તે કેવું કહેવાય…પણ આ વાસ્તવિકતા જામનગરમાં બની છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ડ્રેસિંગ રૂમ નજીક હત્યાનો આ બનાવ બન્યો. આ બનાવમાં ધર્મરાજસિંહ નામના યુવાનની છરીના ઘા વડે કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યારાની સંખ્યા કેટલી હતી, એ વિગતો હવે બહાર આવશે. શહેર અને જિલ્લામાં એક જ સપ્તાહમાં હત્યાનો આ ઉપરાઉપરી ત્રીજો બનાવ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો પડકારી રહ્યા છે. અને આવી ઉપરાછાપરી ઘટનાઓથી જામનગર પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલ ખડો થયો છે.

શહેરની જી.જી.હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાન લોહીથી લોથપોથ થઇ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાથી ચારે તરફ બસ લોહી ફેલાયેલું હતું અને હોસ્પિટલની અંદરના દ્રશ્યો અત્યંત ભયાનક બન્યા હતા. સરાજાહેર હત્યાથી ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતા જામનગર નાયબ પોલીસ વડા સહિતના પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલે દોડી ગયો હતો. શહેરમાં 20 દિવસમાં ત્રીજી હત્યાથી સનસનાટી ફેલાઇ છે.

ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

જીજી હોસ્પિટલમાં હત્યાના આ બનાવમાં ભોગ બનનાર યુવાનનું હુમલાના સ્થળે જ મોત નીપજયું હતું. હત્યારાઓ બનાવને અંજામ આપી નાસી છૂટ્યા છે. પોલીસ એમને શોધી રહી છે. આ હત્યાની જાણ થતાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતની પોલીસટૂકડી બનાવના સ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આસપાસના લોકોને જરૂરી પૂછતાછ કરી હતી

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ?

જી જી હોસ્પિટલની અંદર ડ્રેસિંગ રૂમ નજીક હત્યાનો સરાજાહેર બનાવ બનવા પામ્યો છે. અંદાજિત ચારથી પાંચ શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા નીપજાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને આરોપીઓની ઓળખ કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ છે કે કેમ તે અંગે હજુ પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

બુમાબુમ કરી પણ સિક્યુરિટી ગાર્ડ આવ્યા નહિ : મૃતકના મિત્રનો આક્ષેપ

મૃતકના મિત્ર ઋષિરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જી જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. દરમિયાન ચારથી પાંચ શખ્સો હથિયાર લઈને ધસી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. ત્યારે અમે બુમાબુમ કરી હતી પરંતુ એકપણ સિક્યુરિટી ગાર્ડ આવ્યો ન હતો. નોંધનીય બાબત છે કે, જી જી હોસ્પિટલ ખાતે 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. ઉલ્લેખનીય બાબત છે કે, મૃતકના મિત્રે એવુ પણ જણાવ્યું હતું કે, હત્યાના સ્થળથી માત્ર 10 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી છે પણ કોઈ પોલીસકર્મી પણ બચાવવા આવ્યું ન હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.