અનેક કેબિનેટ મંત્રીઓ, સાંસદો, મેયર અને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરોને આગ ચાંપવાની ઘટના
શ્રીલંકામાં સોમવારે શરૂ થયેલી હિંસાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અહેવાલો અનુસાર, શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે સૈનિકોને વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો જેમણે સંપત્તિને લૂંટી અને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રદર્શનકારીઓએ સોમવારે અનેક કેબિનેટ મંત્રીઓ, સાંસદો, મેયર અને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરોને આગ ચાંપી દીધી હતી.
ટોળાએ મહિન્દા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર પણ હુમલો કર્યો હતો, ત્યારપછી મંગળવારે સવારે સેનાએ રાજપક્ષે અને તેમના પરિવારને બહાર કાઢીને નેવી બેઝ પર મોકલી દીધા હતા.
સમાચાર એજન્સી અનુસાર, મંત્રાલયે કહ્યું કે સુરક્ષા દળોને જાહેર સંપત્તિની લૂંટ કરનાર અથવા જીવનને નુકસાન પહોંચાડનાર કોઈપણને જોતા જ ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયાએ સેનાના પ્રવક્તાના હવાલાથી કહ્યું કે, મંત્રાલયે ત્રણેય સેનાઓને આદેશ આપ્યો છે કે જેઓ લૂંટ ચલાવે છે અને અન્યને નુકસાન પહોંચાડે છે તેમના પર ગોળીબાર કરે.
અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે સૈન્ય અને પોલીસને કટોકટીની સત્તાઓ સોંપતા લોકોને વોરંટ વિના જ ધરપકડ કરવાની છૂટ આપી છે.
લાંબા સમયથી આર્થિક સંકટ અને વિરોધનો સામનો કરી રહેલું શ્રીલંકા સોમવારે ભડકે બળ્યું. સરકારના સમર્થકોએ વિરોધીઓ પર હુમલો કર્યો અને મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. હવે આ હિંસામાં સત્તાધારી પક્ષના સાંસદ સહિત આઠ લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોટાબાયા રાજપક્ષેએ લોકોને હિંસા રોકવાની અપીલ કરી છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેશના ઘણા ભાગોમાં સેના તૈનાત કરવામાં આવી છે અને બુધવાર સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. મહિન્દા રાજપક્ષે સોમવારે તેમના સમર્થકોને સંબોધિત કર્યા હતા પરંતુ હિંસા અટકવાને બદલે વધી ગઈ. સોમવારે શ્રીલંકાના પીએમના સત્તાવાર નિવાસસ્થાન, ટેમ્પલ ટ્રીઝ પર લોકોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જેના માટે સુરક્ષા કર્મચારીઓએ તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર અને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.