બીચ વિકસાવવા ૧૦૦ કરોડનો ખર્ચ કરાશે
શિવરાજપુર બીચના પ્રથમ તબક્કાના વિકાસ કામોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત
દ્વારકા નજીકના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકસાવવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦ કરોડના ખર્ચે થનાર પ્રથમ તબક્કાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દ્વારકાધિશના ચરણોમાં શીશ નમાવી, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ ખાતે રૂા.૨૦ કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં આવનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ફેઝ-રમાં શિવરાજપુર બીચને રૂા.૮૦ કરોડના ખર્ચે વધુ સુવિધાયુકત બનાવવામાં આવશે. આમ, -રૂ.૧૦૦ કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનું બીચ બનાવવામાં આવશે. શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી ચરણપાદુકાની પૂજન વિધિ કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી પુરુષોત્તમભાઈ, પ્રણવભાઈ, વૈભવભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં આગમન સમયે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના તીર્થ પુરોહિત દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવરાજપુર બીચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન અને મત્સયોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, શિવરાજપુર બિચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળતા દ્વારકા જિલ્લાની મુલાકાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને વધુ રોજગારી મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચ ખાતે ફેઝ-૧ અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાયવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. સાંસદ પુનમબેન માડમે સરકારનો આભાર વ્યક્ત કરતા કહયું હતું કે, દ્વારકા જિલ્લો પશ્વિમ વિસ્તારનો છેવાડાનો જિલ્લો છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ હેઠળ આ જિલ્લાના વિકાસને વેગ મળ્યો છે. ગુજરાત ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્ઠ તિર્થસ્થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્ટ બીચનો ટુરીઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે.