માનવી કે તેના પરિવાર સાથે રજાઓમાં મોજ માણવા ફરવા જતાં હોય છે. ઘણીવાર દૂરની ટુર હોય તો ઘણીવાર શનિ-રવિની નજીકની ટુરનો આનંદ મિત્રમંડળ કે પરિવારજનો ઉઠાવે છે. વર્ષોથી આપણે સૌ કુદરતી સ્થળોએ ફરવા જવાનું વધુ પસંદ કરીએ છીએ, મુકત ચોખ્ખુ વાતાવરણને વિશાળ ખુલ્લી જગ્યાનો આનંદ કંઇક ઔર જ હોય છે. નદી, સરોવર કિનારે કે દરિયા કિનારે સૌ ફરવા જવાની પ્રથમ પસંદગી હોય છે. આપણાં ગુજરાતમાં જ ઘણા એવા ફરવા લાયક સ્થળો છે જે આપણે બહુ જોયા નથી કે તેના વિશે બજુ જાણતા નથી.
આવી જ એક જગ્યા છે શિવરાજપુર બીચ જે દ્વારકા પાસે આવેલ છે. દેશના સૌથી ટોપ-10 ચોખ્ખા ચણાક બીચમાં તેની ગણના થાય છે. આ જગ્યાએ જાવ ત્યારે દ્વારકાધીશના દર્શનનો પણ પ્રવાસીને લાભ મળી જાય છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું ગૌરવ એટલે આપણો ગુજરાતનો શિવરાજપૂર બીચ છે. દેશનાં કુલ આઠ બીચને બ્લુ ફલેટ સર્ટિફીકેશન એક સાથે મળેલ છે. જેમાં આ બીચનો સમાવેશ થાય છે. ગોવા કરતાં પણ ચોખ્ખો બીચ આ શિવરાજપૂરનો છે. લોકો પરિવાર સાથે અહીં પ્રવાસ કરીને કુદરતનો નજારો સાથે ચોખ્ખા ચણાક પાણીમાં ન્હાવાનો આનંદ માણે છે.
દેશનાં આઠ બીચમાં શિવરાજપૂર (દ્વારકા), ઘોઘલા (દીવ), કાસર કોડ અને પડુબિદુરી (કર્ણાટક), કપ્પડ (કેરળ), ઋષિકોંડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન બીચ (પૂરી-ઓડિશા) અને રાધાનગર (આંદામાન-નિકોબાર) નો સમાવેશ થાય છે. બ્લુ ફલેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આની પસંદગી માટે નિષ્ણાંતો દ્વારા વિવિધ 33 માપદંડો નકકી કરાયા હોય છે. જેમાં ત્યાંનુ પર્યાવરણ, ન્હાવાના પાણીની ગુણવતા, સુરક્ષા સેવા વિગેરેની ગુણવત્તા નકકી કરીને રેટીંગ અપાય છે. આ સર્ટિફીકેશન ડેનમાર્કમાં કચેરી ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજયુકેશન’ દ્વારા આપવામાં આવે છે.
દ્વારકાધીશના રૂક્ષ્મણી મંદિરથી માત્ર ર0 મીનીટના અંતરે આવેલ લાંબો કિનારો ધરાવતો નયનરમ્ય શિવરાજપૂર બીચ આવેલો છે. અહીં સુંદર દિવાદાંડી સાથે પથરાળ દરિયા કિનારો ચોખ્ખા પાણીનો આવેલો છે. સફેદ રેતી અને ચોખ્ખા પાણીનો સંગમ પ્રવાસીઓનું આકર્ષણ બને છે. ફરવા માટેનું એક આદર્શ સ્થળ એટલે શિવરાજપૂર બીચ, આ બીચ શહેરથી દૂર આવેલો હોવાથી પર્યાવરણથી લથબથ છે. આમેય માનવીને નદી, સરોવર, દરિયો, વૃક્ષોને પક્ષીઓનો કલરવ ગુંજતો હોય તે જગ્યાએ મુકત રીતે વિહરવાની ઔર મજા આવતી હોય છે. શિવરાજપૂર ગામની રચના 19મી સદીના પ્રાંરભે થઇ હતી.
હાલ ગુજરાતીઓ દરિયા કિનારે ફરવાનું વધુ પસંદ કરતાં હોવાથી હવે સરકારે પણ તેના વિકાસમાં કાર્યો કરવા ઝડપી વધારી છે. આ બીચની સુંદરતા પાછળ આર્થિક યોજના સાથે આ બીચને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળ તરીકે વિકસાવાય રહ્યો છે. તે તબકકાના તેના વિકાસ કાર્યોમાં ગુજરાત સરકાર અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. પ્રારંભે સાયકલ ટ્રેક, ચાલવાનો માર્ગ, પાકીંગ સુવિધા, પીવાના પાણી અને શૌચાલયની સુવિધા સાથે આ બીચને પર્યટક સુવિધાથી સજજ કરવા પ્રથમ તબકકાનું કાર્ય થશે. બીજા તબકકામાં આ બીચને આંતરરાષ્ટ્રીય ધોરણે બીચ બનાવાશે. આ બીચની આસપાસ ગુજરાતી અને કચ્છી ભાષા સૌથી વધુ બોલાય છે.
આ બીચ ઉપર વિવિધ પ્રવૃતિમાં પ્રવાસીઓ માટે સ્કુબા ડાઇવીંગ, સ્નોર્કલિંગ બોટિંગ અને આઇલેન્ડ ટુરનો સમાવેશ થાય છે. આ બીચની મુલાકાત વેળાએ આસપાસમાં ઘણા સ્થળોમા દ્વારકાધીશ મંદિર, બેટ, દ્વારકા, નાગેશ્ર્વર જયોતિલિંગ, રૂકમણી દેવી મંદિર અને ખાસ અહિંનો સનસેટ પોઇન્ટ જોવા જેવો છે. આ બીચને બેસ્ટ બીચનો ટુરિઝમ એવોર્ડ 2020માં મળ્યો હતો. ગુજરાતમાં આવા ઘણા બીચો આવેલા છે પણ આ બીચ અજાણ્યા હોવાથી લોકો ત્યાં જતાં હોતા નથી. આ બીચનું પાણી કાચ જેવું ચોખ્ખું છે. દ્વારકાથી માત્ર 1ર કિલોમીટર દૂર આ બીચ આવેલો છે. ખાસ તો દુર દુર સુધી માનવ વસ્તીના હોવાને કારણે આ બીચ પર બહુ ભીડ જોવા મળતી નથી.
વોટર સ્પોર્ટસ માટે આ બીચ સૌથી ઉત્તમ છે. એકવાર મુલાકાત લો પછી તમે જિંદગીભર આ બીચને ભૂલશો નહી એટલો મન મોહક છે. એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યા વિદેશોના બીચ કરતાં પણ સુંદર છે. રહેવા જમવાનો પ્રશ્ર્ન પણ નડતો નથી. બીચતી સુંવાળી રેતી પર મસ્તી કરવાની મોજ પડી જાય છે. આ વખતે સાતમ-આઠમે ટુંકી મુસાફરીના આનંદ સાથે આ બીચની મુલાકાત પરિવાર સાથે લેજો બાળકોને તો દરિયા કિનારે મોજ પડી જાય તેવો સુંદર બીચ છે.