રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ગણેશ મહોત્સવ દરમિયાન ધરાશાયી થયો હતો. બે મહિના બાદ આ દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવમ કોમ્પ્લેક્સની 80થી વધુ દુકાનો છેલ્લા બે મહિનાથી બંધ છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે એવું નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પર આવેલા શિવમ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહિં આપવામાં આવે ત્યાં સુધી એકપણ દુકાન ખોલવા દેવામાં આવશે નહિં. જવાબદારોને છોડવામાં આવશે નહિં. તમામ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરાશે: સ્ટે.ચેરમેન
આજે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાના ઘટનામાં કોર્પોરેશન દ્વારા ઓક્ટોબર મહિનામાં જ પોલીસને ફરિયાદ આપી દેવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પાર્કિંગના માર્જીનમાં બિલ્ડર દ્વારા જ સ્લેબ ભરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કોર્પોરેશન ખૂબ જ ગંભીર છે. શિવમ કોમ્પ્લેક્સ-1 અને 2ની તમામ દુકાનો છેલ્લા બે મહિનાથી સીલ કરી દેવામાં આવી છે. ગઇકાલે કોર્પોરેશન દ્વારા આ ઘટનામાં વિધીવત રીતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેઓએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે એક વાત નિશ્ર્ચિત છે કે જ્યાં સુધી શિવમ કોમ્પ્લેક્સના દુકાન અને ઓફિસધારકો દ્વારા બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવામાં નહિં આવે ત્યાં સુધી એકપણ દુકાન કે ઓફિસને ખોલવા દેવામાં આવશે નહિં. આ ઘટનામાં કોર્પોરેશન જવાબદારોને છોડવાના મૂડમાં નથી. જે જવાબદાર હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.