શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર
દેવાધિ દેવ મહાદેવના મહિમાવંતા મહાપર્વ મહાશિવરાત્રીની આજે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં શ્રધ્ધા ઉમંગભેર ઉજવણી થઈ છે. સમગ્ર પંથકના શિવાલયો વહેલી સવારથી હર હર મહાદેવના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા છે. જયારે મહારાત્રી એવી મહાશિવરાત્રી એ ચાર પ્રહરની પૂજા વિશેષ ભક્તિભાવ પૂર્વક યોજાઈ હતી. બિલીપત્ર, શેરડીનો રસ,પંચામૃત, કાળાતલ, આમળા, ધતૂરાનું ફુલ ભગવાન શિવને અર્પણ કરી આરાધના કરવામાં આવી હતી. રાજકોટના પંચનાથ, કશીવિશ્વનાથ, જાગનાથ , રામનાથ સહિતના શિવ મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડ લાઈન મુજબની તકેદારી રાખવામાં આવી હતી.
બાલાજીને શિવજીનો સુંદર શણગાર
રંગીલા રાજકોટનું આસ્થાના કેન્દ્ર સમુ બાલાજી મંદિરે આજે મહાશિવરાત્રી પર્વે ભોળાનાથ દેવોના દેવ શિવજીનો અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. આજે શિવાલયોમાં વહેલી સવારથી જ બાળથી મોટેરા દેવ-દર્શને આવવા લાગ્યા હતા. કળયુગમાં સૌથી પ્રચલિત દેવતામાં શિવજી મોખરે છે. ત્યારે યુવા વર્ગ ભોળાનાથ ભકતો આજે વિવિધ આયોજનમાં જોડાયા હતા. ત્રિશુલ, ડમરૂ, શેષનાથ વિગેરેના દર્શન બાલાજી મંદિરે જોવા મળ્યા હતા. રાજકોટમાં બાલાજી મંદિરનો મહિમા અનેરો છે. ત્યારે આજે શિવજીના મહાપર્વે ભકતજનો ઉમટી પડયા છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
ભોલેબાબા મહામારીને જલ્દી નાથે તેવી પ્રાર્થના: દેવાંગભાઈ માંકડ
156 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદીર ખાતે વોર્ડ ન 7નાં કોર્પોરેટર અને પંચનાથ હોસ્પિટલ ના ટ્રસ્ટી દેવાંગભાઈ માંકડ મહાશિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે આવ્યા હતાં. ત્યાં તેમણે જણાવ્યું હતું કે અનેક શ્રદ્ધાળુ દેવોના દેવ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. સાથે જ લોકો પણ શ્રધ્ધા પૂર્વક દર્શન માટે પોહચ્યાં હતાં. આ વર્ષે કોરોના મહામારીને કારણે ગાઈડલાઇન્સનુ પણ પૂરતું પાલન કરવામાં આવી રહ્યું છે. બધા લોકો સ્વાસ્થ્ય રહે અને મહામારીનો જલ્દી નિવેડો આવી તેવી પ્રાર્થના કરી હતી.
શહેરીજનોને મહાશિવરાત્રી પર્વની શુભકામના પાઠવતા કમલેશ મિરાણી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહીતના ભાજપ અગ્રણીઓએ મહાશિવરાત્રીની ભક્તિસભર શુભેચ્છા આપતા જણાવ્યુ છે કે મહાશિવરાત્રી એ ભારતમા ઉજવાતા મુખ્ય તહેવારોમાથી એક છે. ત્યારે સ્વયંભુ ગણાતા બ્રહમા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતિક અને ભાવના બની રહે છે. પ્રાચિન કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌપ્રથમ જયારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ન થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલુ ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમર્ગ જીવસૃષ્ટિનો નાશ કરી દે. જયારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ર્ન દેવોએ ભગવાન વિષ્ણુને પુછયો ત્યારે વિષ્ણુએ કહયું કે તેઓ શિવજી પાસે સહાય માંગે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળામળ પી લીધુ. આમ આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે. મહાશિવરાત્રી માનવને જીવમાથી શિવ બનવાની પ્રેરણા આપે છે. આજે શહેર શિવભક્તિના રંગાશે અને સત્યમ શિવમ સુંદરમના ત્રિગુણનો શહેરના ખમીરવંતા પ્રજાજનો સાક્ષ્ાાત્કાર કરેતેવી શુભકામના રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે પાઠવી હતી.
શિવરાત્રીના મંગળ પ્રભાતે એસજીવીપી ગુરુકુલના ઋષિકુમાર દ્વારા રુદ્રાભિષેક ઠાકોરજીને 550 કિલો દ્રાક્ષ ધરાવી
સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શિવરાત્રીના પ્રભાતે, એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવેલ.ત્યારબાદ એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા ઠાકોરજીને 550 કિલોની દ્રાક્ષ ધરાવ્યા બાદ પુ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી હતીઅને સ્વામીજીએ જે જે વિદ્યાર્થીઓએ આ ઉત્સવમાં આર્થિક સહાય કરેલી તેને કપાળે ચાંદલો કરી આશીર્વાદ આપી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રસાદ ગરીબ બાળકોને વહેંચવામાં આવ્યો હતો.
બ્રહ્માકુમારી દ્વારા કસ્તુરબાધામના આંગણે જયોતિર્લિંગ દર્શન
આજે સવારે આઠ વાગ્યે બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી તથા જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ ભરાળ તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ભોળાનાથ પરમાત્માની આરતી બાદ દર્શન ખુલ્લા મુકાયા સાથે સાથે પરમાત્માના ઝાંખી કરાવતો વિડિયો શો પણ રાખવામાં આવેલ છે.