૧.૮૪ લાખ સાબુદાણાના શણગારથી સજ્જ ભોલેનાથ બનશે આકર્ષણનું કેન્દ્ર: અનેકવિધ આયોજન ઘડી કઢાયા
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા આવતીકાલે તા.ર૦ ના રોજ વિશ્ર્વશાંતિના સંદેશા સાથે શિવ રથયાત્રા યોજાશે. રામેશ્ર્વર મંદીર, કોઠારીયા રોડ ખાતેથી બપોરે ત્રણ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય નૈતિક, સામાજીક, અઘ્યાત્મિક તેમજ પારિવારિક મુલ્યોની પુન: સ્થાપના કરવા ભગીરથ સેવા કાર્ય કરતી સંસ્થા છે.
બ્રહ્માકુમારીઝના મેહુલનગર સેવા કેન્દ્ર દ્વારા તા. ર૦ ને ગુરુવારે બપોરે ૩.૩૦ વાગ્યે શિવરાત્રી નિમિતે શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે યાત્રામાં ભાવિકજનોને વિશ્ર્વ શાંતિ અને સ્વસ્થ મન દ્વારા સ્વસ્થ તન નો દિવ્ય સંદેશ, સર્વ ધર્મ સમભાવ નો સંદેશ, તેમજ ભોલાનાથ શિવ અને શંકરનું રહસ્ય દર્શાવતી ચૈતન્ય ઝાંખીના દર્શન અને પ્રભુ પિતાનો સંદેશ આપતો દિવ્ય રથમાં ૧ લાખ ૮૪ સાબુદાણાના શણગારથી સજિત બાબા ભોલેનાથના દર્શનનો લાભ મળશે.
શિવરાત્રી નિમિતે નિદાન કેમ્પ સહિતના આયોજન
તા. ૨૧-૨ શુક્રવારના સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી બ્રહ્માકુમારીઝ તેમજ સીજે ગ્રુપ ના સૌજન્યથી બીમારીઓને ખત્મ કરવા ફ્રી સર્વ રોગ નિદાન તેમજ ફ્રી દવા માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અમરનાથ પર્વત, દ્વાદશ જયોતિલીંગ દર્શન અને શારીરિક તેમજ માનસિક શાંતિ માટે રાજયોગ શિબિર ર૧ ફેબ્રુઆરી સવારે પ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.