મોરબીના વાવડી ગામ કબીરધામ ખાતે ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને બિરાજેલી ’માનસ શ્રદ્ધાંજલિ’ રામકથાના પાંચમાં દિવસની કથા સંપન્ન થઇ છે.
રામકથાના પાંચમા દિવસની કથા શરુ થાય તે પહેલા કબીરધામના શિવરામદાસબાપુએ કબીરવાણી પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું જે વક્તવ્ય સાંભળ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે શિવરામદાસબાપુ કબીરસાહેબ પર સુંદર પ્રકાશ પાડી રહ્યા છે. કબીરચરિત માનસ કથા આપે કરવી જોઈએ કારણકે અત્યારે વક્તાઓની બહુ જરૂર છે. કબીરસાહેબ માત્ર કબીરપંથમાં જ ગિરફતાર થઈ જાય એ બરાબર નથી. બાપુએ આગળ કહ્યું દેશ, કાળ અને પાત્ર પ્રમાણે મહાપુરુષોએ પ્રસ્તુતિ અલગ કરી પણ-સભી સયાને એક મત-કબીર પ્રભાવિત નહીં પ્રકાશિત કરે છે. કબીર સાહેબે જગતને પણ પ્રકાશિત કર્યું છે.
મોરબી માનસ શ્રઘ્ધાંજલી રામકથા પાંચમા દિવસ કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ લોક સાહિત્યકાર સાંઇરામએ કથા શ્રવણનો લીધો લાભ
માનસ શ્રદ્ધાંજલિ રામકથામાં આગળ વધતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે રામ તત્વને સમજવા પહેલા શિવ તત્ત્વ સમજવું પડશે. શિવચરિત્રની અંદર સતી પાંચ ભૂલો કરે છે અને મહાવિનાશ તરફ ગતિ કરે છે. પહેલા એ કથાની અવગણના કરે છે, પૂર્વગ્રહને કારણે કથા સાંભળતી નથી. ત્યારે શિવ બ્રહ્મ નિરૂપણ કહેતા કહે છે કે જેની કથા કુંભજે ગાઇ એ જ મારા ઇષ્ટદેવ રઘુરાય છે, એ રામ તત્વ છે વિનાશનું બીજું પગથિયું પરમ તત્વ પર શંકા. બાપુએ કહ્યું કે પરમ તત્વ જ નહીં કોઈના પર શંકા ન કરતા જો ભજન કરવું હોય તો. પાંચ મિનિટ ભજન નથી કરતા એ ભજન પર મોટા લેખો લખે છે. વર્ષાઋતુ ઉપર લેખ લખે અને નીચોવો તો ટીપુ પણ પડતું નથી! વિનાશનું ત્રીજું પગલું શિવનું માનતા નથી *શિવ એટલે વિશ્વાસ. વિશ્વાસની વાત બુદ્ધિ સ્વિકારતી નથી એ પતન તરફની ગતિ છે.* બુદ્ધિ પરીક્ષાથી જ સ્વિકાર કરે છે, પ્રતીક્ષા કરતી જ નથી. ચોથી ભૂલ એ છે કે નકલી સીતાનું રૂપ લઈ અને જાય છે. પતનનું પાંચમું કારણ છે શિવજી પાસે ખોટું બોલે છે.આ કથા માત્ર લીલા છે જે આપણને સમજાવવા માટે ભજવાયેલી છે.
ત્યારબાદ પૂજ્ય મોરારીબાપુએ ’ધર્મના’ મહત્વની વાત સમજાવી હતી. જેમાં મહાભારતની વાત કરતા પૂજ્ય બાપુએ કહ્યું હતું કે ભારત મહાભારત હતું,છે અને મહાભારત રહેશે કારણ કે પાંચ સાવિત્રીઓ સમાયેલી છે.એક સત્યવાન સાવિત્રી જે પોતાના પતિવ્રત ધર્મ નિભાવે છે.બીજી સાવિત્રી નદી. ત્રીજો સાવિત્રી સવિતું મંત્ર પ્રકાશ. મહર્ષિ અરવિંદની સાવિત્રી મહાકાવ્ય. અને પાંચમું ભગવાન વેદ વ્યાસ મહાભારતના સારરૂપ નિચોડ કાઢતા હોય એવા બે શ્લોક લખે છે જે ભારત સાવિત્રી મંત્ર છે. ત્યાં બાપુ કહે છે કે એ મંત્ર મહાભારતનો ભરોસો દ્રઢ કરતા કહે છે કે જે ધર્મ અર્થ પ્રદાન કરે છે, તમામ કામનાઓ આપે છે, મોક્ષ પણ આપે છે એ ધર્મ તમને બધું આપે છે એનું સેવન કેમ નથી કરતા! ભરોસાથી એ ધર્મને પકડી લ્યો. કદાચ કામનાઓ છોડવી પડે, લોભ, પદ, પ્રતિષ્ઠા અરે પ્રાણ છોડવા પડે તો છોડી દો પણ એ ધર્મને છોડતા નહીં.એ ભારતસાવિત્રી મંત્ર છે.
આજની માનસ શ્રદ્ધાંજલિ રામકથાના પાંચમા દિવસે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાની વિશેષ હાજરી આપી કથાશ્રવણનો લાભ લીધો હતો. તેમજ શિક્ષક-હાસ્યકલાકાર- લોકસાહિત્યકાર એવા સાઈરામ દવે તેમજ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ પણ રામકથામાં હાજરી આપી કથાશ્રવણનો લાભ લીધો હતો.