ગીર સોમનાથ જિલ્લાનાં ૧૦ ગામોની ૧૦૦૦ હેકટર જમીનને પિયતનો લાભ મળશે

આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટાભાગના ડેમો માંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.આ સમયે ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા ડેમ માંથી પણ ખેડૂતોને શિયાળુ પાક(રવિ પાક) માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે.

ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા સિંચાઈ યોજના માંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાંચ પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શ માં રહી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ ૧૦ ગામનાં ખેડૂતોની ૧૦૦૦ હેકટર જમીન ને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે.કેનાલમાં ૧૨૫ ક્યુસેક પ્રવાહ પાણી નો વહી રહ્યો છે. જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના.ખેડૂતોનાં ખેતર રવિપાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. ઘઉં તેમજ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે.આ પાક માટે જરૂરી પાણી શીંગવડા ડેમ માંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શીંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં ૧૨૫ ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે ૧૦ પૈકી ૪ ગામોના તળમાં તો પાણીજ નથી. ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે.આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.ખેડૂતોએ જણાવ્યું હતું કે, ’આ કેનાલ જ અમારી જીવાદોરી છે. ઠંડી શરૂ થઈ ચૂકી છે. અમે ઘઉંનું વાવેતર કર્યું છે.કેનાલનું પાણી મળવાના કારણે સારૂ એવું ઉત્પાદન લઈ શકાશે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.