ઢસાથી ભાવનગર તરફ જતા આંગડીયા પેઢીના કર્મચારીને શિહોર બસ સ્ટેશન પાસે આંતરી ચાર શખ્સોએ રોકડ અને હીરાની લૂંટ ચલાવી લૂંટારા ફરાર
આંગડીયા કર્મચારીની કાર લઇ ભાગેલા લૂંટારાઓને ઝડપી લેવા હાઇ-વે પર પોલીસે નાકાબંધી કરાવી, રાજયભરની પોલીસને એલર્ટ કરાઇ
ભાવનગરના શિહોર બસ સ્ટેશન પાસે વહેલી સવારે આર મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ અને હીરા સાથે થેલાની લૂંટ ચલાવ્યાનું પોલીસમાં જાહેર થતા સનસનાટી મચી ગઇ છે. ઢસાથી ભાવનગર તરફ જતાં આંગડીયા પેઢીના બે કર્મચારીની કાર શિહોર બસ સ્ટેશન પાસે પહોચ્યા ત્યારે અગાઉથી જ રેકી કરી વોચમાં હોય તેમ લૂંટારાઓએ આગડીયા પેઢીના કર્મચારી કાર અટકાવી બંદુક બતાવી તેની જ કારમાં અપહરણ કરી રહેલાં રોકડ અને હીરા સાથેના એક કરોડની મતાનો થેલો ઝુંટવી ફરાર થયાનું પોલીસમાં નોંધાયું છે.
માતબાર રકમની થયેલી આંગડીયા લૂંટનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ શિહોર દોડી આવ્યા હતા. હાઇ-વે પર નાકાબંધી કરાવી રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. જ્યારે ભાવનગર એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફે શિહોર બસ સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી સઘન કાર્યવાહી હાથધરી છે.આર મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી ઢસાથી બાઇક પર ભાવનગર જવા રવાના થયા બાદ વહેલી સવારે છ વાગે શિહોર બસ સ્ટેશન પાસે પહોચ્યો ત્યારે તેને લૂંટારાઓએ આંતરી લીધો હતો. અને તેની પાસેના રોકડ અને હીરા સાથેનો થેલો ઝુંટવી ફરાર થઇ ગયા હતા.
લૂંટારાઓ પાસે બંદુક હોવાનું અને મોતનો ભય બતાવી લૂંટ ચલાવ્યાનું તેમજ થેલામાં અંદાજે એકાદ કરોડની મત્તા હોવાનું પ્રાથમિક જાહેર થતા ભાવનગર જિલ્લાની તમામ પોલીસ સ્ટાફને સચેત કરવામાં આવ્યો હતો અને હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે. બીજી તરફ આંગડીયા લૂંટમાં જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસની એક ટીમ દ્વારા આ દિશામાં તપાસ હાથધરી છે.
લૂંટના ગુનામાં ચાર શખ્સોની સંડોવણી હોવાનું અને આંગડીયા પેઢીના કર્મચારીઓ દ્વારા લૂંટારાના જણાવેલા વર્ણનના આધારે પોલીસે લૂંટારાઓનું પગેરુ દબાવ્યું છે. લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યા પહેલાં રેકી કરી હોવાની અને અંદરના જ કોઇ કર્મચારી દ્વારા ટીપ આપી હોવાની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.