મંદિર-મસ્જિદના ફેંસલાને લઇ સુપ્રીમમાં કાલથી સુનાવણી

બાબરી મસ્જીદના માલિકીના હકકની કાયદાકીય લડાઈ હાર્યાના ૭૧ વર્ષ બાદ યુપીનું શિયા વકફ બોર્ડ સુપ્રીમમાં પહોંચ્યું છે. ૩૦ માર્ચ ૧૯૪૬માં ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાને પડકારની અરજીના પરિણામે રામ મંદિર અંગેનો ચુકાદો ઘોંચમાં મુકાય તેવી શકયતા છે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ મામલે વડી અદાલત આવતીકાલે સુનાવણી હાથ ધરશે. શિયા વકફ બોર્ડે અન્ય અરજીઓ સાથે તેમની પિટિશન ઉપર પણ ધ્યાન અપાય તેવી રજુઆત કરી છે. આ રજુઆત કરતા પહેલા શીયા વકફ બોર્ડે કબુલ્યું હતું કે, આ વિવાદિત મસ્જીદનો અન્ય સ્થળે ખસેડવા તૈયારી છે. જેનાથી વિવાદનો અંત આવી શકે. અલબત શિયા વકફ બોર્ડની અરજીના પગલે રામ જન્મભૂમિ અંગેનો ફેંસલો ઘોંચમાં પડશે.

૧૯૪૬માં ટ્રાયલ કોર્ટે બાબરી મસ્જીદને વકફ બોર્ડની સંપતિ જાહેર કરી હતી. જેની સામે હવે શિયા વકફ બોર્ડે એમસી ધીંગરાના માધ્યમથી અરજી દાખલ કરી છે.

જેમાં આ મસ્જીદ શિયા મુસ્લીમે બનાવી હોવાની દલીલ થઈ છે. આ મસ્જીદ મુગલ બાદશાહ બાબરના મંત્રી અબ્દુલ મીરે બનાવડાવી હતી. જે એક શિયા મુસલમાન હોવાનું વકફ બોર્ડનું કહેલું છે. વડી અદાલતમાં થયેલી આ અરજી બાદ હવે ફરીથી શિયા-સુન્ની વકફ બોર્ડનો મતભેદ જીવંત થયા છે. સુન્ની વકફ બોર્ડના વિરોધના કારણે રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ સર્વે સહમતિથી ઉકેલાઈ શકયો ન હોવાનું શિયા વકફ બોર્ડનો આક્ષેપ છે. હાલ તો આ મામલે વડી અદાલતમાં છે. આવતીકાલથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.