રામ મંદિર હિન્દુઓની ઊંડી લાગણીનો મુદ્દો છે મુસ્લિમોએ તે સમજવું જરૂરી: વકફ બોર્ડના વડા વસિમ રિઝવી
રામ મંદિર નિર્માણનો મુદ્દો ઘણા વર્ષોથી બહુચર્ચીત છે. હવે આ મુદ્દે શિયા વકફ બોર્ડના માધ્યમથી સમાધાન સંધાઈ તેવી શકયતા છે. આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર રામ મંદિર નિર્માણ માટેના સમાધાનનો મુખ્ય સેતુ બને તેવી અપેક્ષા સેવાઈ રહી છે. તાજેતરમાં બેંગાલુરુ ખાતે આર્ટ ઓફ લીવીંગના હેડ કવાર્ટરમાં શિયા વકફ બોર્ડના વડા વસીમ રિઝવી અને શ્રી શ્રી વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં અયોધ્યાનો મુદ્દો શાંતિપૂર્ણ ઉકેલવાની ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ શિયા વકફ બોર્ડના વડા રિઝવીએ મુસ્લિમોને આહવાન કર્યું હતું કે, અયોધ્યામાં મંદિર બનવા દો મસ્જિદ તો કોઈપણ સ્થળે બની શકશે. મુસ્લિમ નેતાઓએ સમજવું જોઈએ કે, આ વાત હિન્દુઓની ઉંડી ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે. ભગવાન રામ આ સ્થળે જન્મ્યા હતા. આપણે તેમનો પક્ષ નથી લઈ રહ્યાં જેમણે મસ્જિદ તોડી પાડી હતી. આપણે તેમના તરફે પણ નથી જેઓ મંદિર તોડી પાડવા માંગે છે. આપણે વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ થાય તેની તરફેણમાં છીએ.
શ્રી શ્રી સાથે શિયા વકફ બોર્ડના વડાની મુલાકાત બાદ હવે રામ મંદિર નિર્માણ મુદ્દે યોગ્ય ઉકેલ આવે તેવી આશા સેવાઈ રહી છે. આગામી સપ્તાહમાં બન્ને ધાર્મિક આગેવાનો વચ્ચે ફરીથી મુલાકાત થવાની છે. જેમાં આ મુદ્દે યોગ્ય ઉકેલના વિકલ્પો મુકાય તેવી આશા છે. રામ જન્મભૂમિ મુદ્દામાં હાલ સરકાર કે ન્યાયતંત્ર યોગ્ય ઉકેલ લાવી શકે તેમ નથી. માટે બન્ને પક્ષે આગેવાનની સમજાવટ અને સમાધાન મહત્વના બની રહેશે.
રામ મંદિર મામલાનો ઉકેલ લાવવામાં મદદ માટે અનેક પક્ષકારોએ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. અગાઉ રવિશંકરે જણાવ્યું હતું કે, આ મામલામાં મધ્યક્ષતા માટે તેઓ તૈયાર છે. થોડા દિવસ પહેલા રવિશંકરને નિર્મોહી અખાડા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કેટલાક સભ્યો મળ્યા હતા. તેમણે વિનંતી કરી હતી કે, બન્ને સમુદાયો વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય બનેલા આ મામલાનો ઉકેલ લાવવા મધ્યસ્થી કરવી જોઈએ.