ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 5.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ તેલાવ ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સાણંદ વિભાગ, ડોગ સ્કવોડ કચેરી સાણંદ, ચાંગોદર તથા સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગનું ઇ – લોકાર્પણ ઉપરાંત કેરાળા જીઆઇડીસી, નળ સરોવર અને હાંસલપુર પોલીસ સ્ટેશનનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો.

અમિતભાઇ શાહે આ પ્રસંગે સમગ્ર ગુજરાત અને દેશની જનતાને ગણેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યના નવનિર્વાચિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મારા મત ક્ષેત્રના અમદાવાદ જિલ્લાના કાર્યક્રમમા સૌપ્રથમ ઉપસ્થિત રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે સેતુ એપ્લિકેશન, શી ટીમ અને પોલીસ અધિક્ષકની નવનિર્મિત કચેરી, નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા ડોગ સ્ક્વોડ કચેરીના પરિણામે આ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સુદ્રઢ બનશે.

શાહે કહ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા કાર્યરત આશ્વશ્ત અને વિશ્વાસ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટ ગુજરાતની જનતાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે નિરંતર આપણે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત શી ટીમ અને દૂત એપ્લિકેશનની મદદથી મહિલાઓની સુરક્ષા વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનશે. તેઓએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લા સાથે અન્ય સાત જિલ્લાની સરહદ જોડાયેલ છે.

ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્ર ને જોડતો ધોરીમાર્ગ પણ અહીથી પસાર થાય છે. આ માટે 5.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પોલીસ સ્ટેશનની વ્યવસ્થાના માધ્યમથી અમદાવાદ જિલ્લાની સુરક્ષા સુનિશ્ચિત થશે.ગુજરાતના પ્રત્યેક મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે સાતત્યપૂર્ણ રીતે પ્રયત્નો કરીને કર્ફ્યુંરાજમાંથી અને સાથે સાથે છાશવારે થતાં રમખાણોમાંથી ગુજરાતને મુક્તિ અપાવી છે. ગુજરાતી ઉદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી છે. તેઓએ કહ્યું હતું કે ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજીથી સુસજજ બને તે માટે રાજ્યની ભાજપા સરકારે “વિશ્વાસ” “આશ્વસ્ત” જેવા પ્રોજેક્ટ કાર્યરત કરવા ઉપરાંત સાઇબર ક્રાઇમ નાથવા સ્પેશિયલ યુનિટ, બોડી વોર્ન કેમેરા, નાઈટ વિઝન ડ્રોન તથા 61000 જેટલી પોલીસ ફોર્સની ભરતી જેવા સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા છે.

શાહે ઉમેર્યું હતું કે રાજ્યમાં પોલીસ વ્યવસ્થાને સહાયભૂત થવા હેતુ કાનૂની ઢાંચાની મજબૂતાઇ અને સમર્થન માટે પણ ગુજસિટોક, મરીન પોલીસ, સ્પેશિયલ યુનિટ જેવા કાયદાના સંશોધનો દ્વારા ભાજપા સરકારે બહુઆયામી પ્રયાસો કર્યા છે. શાહે અંતમાં તેમનાં સંસદીય ક્ષેત્રમાં નાગરિકોની સુરક્ષા અને સમૃદ્ધિ માટે થઇ રહેલા વિકાસ કાર્યો માટે રાજ્યની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટેનો માર્ગ અને કાર્ય સંસ્કૃતિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત આગળ ધપાવશે તેવો શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં સાંણદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ/ ઉપ પ્રમુખ, અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખઓ, સદસ્યઓ, સાણંદ નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકો, એપીએમસીના ચેરમેન/ વાઇસ ચેરમેનઓ તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.