- ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો
- ડેમના 20 દરવાજા 1 ફૂટ જેટલા ખોલાયા
- અસરગ્રસ્ત વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar : વરસાદે ફરી એકવાર ગુજરાતને ધમરોળ્યું છે. રાજ્યના દરેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઘણા બધા ડેમો છલકાઇ ગયા છે. ત્યારે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ આ ડેમ 90 ટકા ભરાય ગયો હોવાના સમાચાર હતા. જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતી. જેમાં લગભગ 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને ડેમમાંથી પાણી છોડાવવામાં આવી રહ્યું છે.
ચોમાસાની ઋતુ જતાં જતાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરૂપ અનેક વિસ્તારોમાં બતાવ્યું છે. જુનાગઢ, બોટાદ, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. તો આ સાથે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના ડેમોની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોને અગાઉથી એલર્ટ કાર દેવામાં આવ્યા છે.