કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. છતાં આજે સવારે અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને દિલ્હીથી ઓચિંતું તેડું આવતા ફરી અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. આજે બપોરે અમિત શાહે સીએમ તથા સી.આર. સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના અલગ-અલગ પ્રોજેક્ટ સહિતના મુદ્દે ચર્ચાઓ વચ્ચે અનેક અટકળો
આજે સવારે રાજધાની દિલ્હીથી એક લીટીમાં આદેશ છૂટ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને તેઓના અગ્ર સચિવ કે.કૈલાશનાથન ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને તાબડતોબ દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા. જો કે, તેઓ સાથે ગૃહ મંત્રી અમિતભાઇ શાહે બપોરે બેઠક કરી હતી. આવતીકાલથી બે દિવસ માટે અમિતભાઇ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
કાલે અમદાવાદમાં રમાનારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડકપના વન-ડે મેચને પણ તેઓ નિહાળવાના છે. છતાં એવી શું અગત્યતા ઉભી થઇ કે સીએમ અને સી.આર.ને તાત્કાલીક અસરથી દિલ્હી બોલાવી લેવામાં આવ્યા અને તેઓની સાથે અમિતભાઇ શાહે બેઠક કરી. હાલ એવું ચર્ચાઇ રહ્યું છે કે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતને લગતા અલગ-અલગ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. જે પ્રોજેક્ટ ચાલુ છે તે ઝડપથી પૂર્ણ થાય અને નવા પ્રોજેક્ટ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી ત્યારે દિલ્હીથી આવતા તમામ તેડાં ખૂબ જ અગત્યપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.