મોડલ સ્ટેટ ગુજરાતમાં સંગઠનમાં ચાલતા વિવાદને ડામી દેવા ભરચકક ચૂંટણી વર્ષમાં પીએમ એજ ‘શહેનશાહ’ ને જવાબદારી સોંપ્યાની સંભાવના

શિસ્તમાં રહેવા તમામને એક લાઇનમાં સમજાવી દેવાશે: વધુ ઉછળકુદ કરતાં નેતાને પણ ‘માપ’માં રહેવા ઇશારો કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટ ભાજપના મોડેલ સ્ટેટમાં વિધાનસભાની ચુંટણીના રેકોર્ડ બ્રેક પરિણામો બાદ સંગઠનમાં ડખ્ખા શરુ થયા છે. સંગઠન સાથે આડકતરી રીતે સરકારમાં પણ સર્વેસર્વા બની ગયેલા ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલને પછાડવા માટે ખુદ ભાજપના મહારથીઓ મેદાનમાં પડયા હોય તેવું લાગી રહ્યું છે. પાટીલ વિરૂઘ્ધ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રીના પી.એ. સહિતના લોકોની સંડોવણી ખુલ્લી છે.

હજી રૂપાણી સરકારના પાંચ પૂર્વ મંત્રીઓના નામો શકમંદોની સુરતમાં છે. પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. સંગઠનને ફરી શિસ્તના પાટે ચડાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આવતીકાલથી બે દિવસની ગુજરાતની મુલાકાત ખુબ જ સુચક માનવામાં આવી રહી છે. શાહ સરકાર અને સંગઠનના લોકો સાથે બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે.

આજે સાંજે લોકસભામાં ચોમાસુ સત્રની કામગીરી પૂર્ણ થતાની સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહ ગુજરાતનો મોરચો સંભાળી લેશે તેઓ આવતીકાલે શનિવારે કચ્છની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ કરશે ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત મંત્રી મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજે તેવી સંભાવના છે. આ ઉપરાંત સી.આર. પાટીલ સહિતના સંગઠનના હોદેદારો સાથે પણ બેઠક યોજે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

વિધાનસભાની ચુંટણીના વિક્રમજનક પરિણામ બાદ પક્ષમાં હાંસીયામાં ધકેલાય ગયેલા લોકો હવે ભાજપને બદનામ કરવા માટે મેદાન પડયા હોવાની આશંકા સેવાય રહી છે. પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ વિરૂઘ્ધ પત્રિકા વિતરણ તેનો જીવતો જાગતો નમુનો છે. એક સમયે પાટીલને મળવા જતા પણ જે નેતાઓ ડરતા હતા. તે હવે પોતાની રાજકીય કારર્કિદીને બચાવવા સંગઠનના હોદેદારોને બદનામ કરવા પર ઉતરી આવ્યા છે.

ચાલુ સાલ અલગ અલગ રાજયોની વિધાનસભાની ચુંટણી યોજાવાની છે આ ઉપરાંત આવતા વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા નવ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ માટે ગુજરાત મોડેલની દુહાઇ દેવામાં આવે છે. હવે જો ગુજરાતમાં જ સંગઠનમાં ચાલતી ટાંટીયા ખેંચ ચાલતી હોય તો તેનો સંદેશો આખા દેશમાં જાય અને ભાજપને નુકશાની વેઠવી પડે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાજનીતીના ચાણકય કહેવાતા અમિતભાઇ શાહ કાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપના મોટા માથાઓ સાથે બેઠક યોજે તેવી સંભાવના જણાય રહી છે. જેમાં તેઓ તમામને શિસ્તમાં રહેવા શાનમાં સમજાવી દેશે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પણ આંખના ઇશારાથી સમજાવી દેવાશે. પાટીલ વિરૂઘ્ધ પત્રિકા કોડમાં જે નેતાઓની સંડોવણી ખુલ્લી છે તેઓને તેમના કામ મુજબ સજા પણ કરવામાં આવશે.

અમિત શાહની બે દિવસની ગુજરાત મુલાકાત ખુબ જ સુચક માનવામાં આવી રહી છે. કેટલાક નેતાના જીવન તાળવે ચોંટી ગયા છે. તો કેટલાક ગેલમાં પણ આવી ગયા છે. સી.આર. પાટીલને પ્રદેશ અઘ્યક્ષ પદે ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે. તેઓને કેન્દ્રમાં લઇ જવાની વાતો પણ ચાલી રહી છે. દરમિયાન હાલ પુરતી આ તમામ શકયતા પર બ્રેક લાગી જવા પામી છે. મંત્રી મંડળના વિસ્તરણની વાતો પર પણ હાલ મોટુ પૂર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.