ટોલની આઠમાંથી છ લાઈન બંધ કરવાની ફરજ પડી
બીપોરજોય વાવાઝોડામાં જેતપુર પાસેનું પીઠડિયા ટોલ પ્લાઝા પણ હડફેટે ચડી ગયું છે. વાવાઝોડાને કારણે ટોલ પ્લાઝાની છતના પતરા ઉડી ગયા અને હજુ ઘણા ભયજનક રીતે લટકી રહ્યા છે. આ લટકતા પતરા પણ મોત બની વાહન પર પડી શકવાની સંભાવના રહેલ છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર બીપોરજોય વાવાઝોડાએ વિનાશ વેરો છે. અહીં ગત રાતના વાવઝોડાને કારણે ટોલ પ્લાઝાની છતના પતરા ઉડી ગયા અને ઘણા પતરા મોત બની હજુ લટકી રહ્યા છે. અને હજુ બીપોરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ ચાલું હોય ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.
ત્યારે ચોવીસેય કલાક વાહનોથી ધમધમતા આ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનો પર મોત ઝંબુળી રહ્યું છે. અને ટોલ પ્લાઝાની બાજુમાં વસાહત પણ હોય પતરા ઉડીને ત્યાં જાય તો ત્યાં પણ જાનહાની થઈ શકવાની સંભાવના સેવાઈ રહી છે. ટોલ પ્લાઝા પર લટકતા પતરારૂપી મોત ઝંબુળતું હોવા છતાં ટોલ પ્લાઝા સંચાલકોએ ટોલની આઠ લાઈનમાંથી છ લાઈન બંધ કરી બે લાઈન વાહનો પાસે ટોલ વસૂલવા ચાલું રાખી છે.
ઇન અને આઉટની બે લાઈનો જ ચાલુ હોવાથી બંને બાજુ વાહનોની કતારો લાગી જાય છે. આ કતારો વચ્ચે જો ભારે પવનને કારણે કોઈ લટકતું પતરુ ઉડીને વાહન પર પડે અને કોઈ ગંભીર અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ ? તેમ ત્યાંથી પસાર થનાર વાહન ચાલકો પૂછી રહ્યા છે.