કૃષિ ઉત્પાદનોના પ્રોસેસર અને નિકાસકર્તા શીતલ યુનિવર્સલ લિમિટેડે જાહેર કર્યું હતું કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સોમવારે, 04 ડિસેમ્બરે ખૂલશે અને બુધવાર, 06 ડિસેમ્બરે બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી અંદાજે રૂ.2380 લાખ એકત્ર કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. આઇપીઓમાં પ્રતિ શેર રૂ.10ની મૂળ કિંમત સાથે પ્રતિ શેર રૂ.70ની ફિક્સ્ડ પ્રાઇઝ ઉપર 34 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે. બિગશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.
રૂ.10ની મૂળ કિંમત સાથે પ્રતિ શેર રૂ.70ની ફિક્સ્ડ પ્રાઇઝ ઉપર 34 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ સામેલ
ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ અને જાહેર ઇશ્યૂના ખર્ચને પૂર્ણ કરવા માટે કરાશે. આ ઉપરાંત કંપની પ્રોટીન પાઉડર અને કોલડ પ્રેસ એક્સટ્રેક્ટ ઓઇલના ઉત્પાદન સાથે નવી પ્રોડક્ટ્સમાં પણ પ્રવેશ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેના માટે જરૂરી ઉપકરણોની ખરીદી માટે રૂ.584 લાખનો ખર્ચ કરવાની યોજના છે. કંપની કાર્યકારી મૂડી માટે રૂ.1200 લાખનો ખર્ચ કરશે, જેનો ઉપયોગ પ્રોડક્ટની શ્રેણીના વિસ્તરણ, બિઝનેસ વર્ટિકલના વિસ્તાર તથા વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશવા માટે કરાશે.
શીતલ યુનિવર્સલ લિમિટેડ જામનગર જિલ્લામાં હરીપર ખંઢેરા ખાતે ઉત્પાદન અને પ્રોસેસિંગ સુવિધાનું સંચાલન કરે છે, જે 6,000 ચોરસ મીટરના બાંધકામ વિસ્તાર સાથે 14,568 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ સુવિધા પ્રક્રિયાના દરેક તબક્કે ગુણવત્તા નિયંત્રણ કાર્ય પદ્ધતિનું કડકાઇથી અમલ કરે છે, જેથી ગ્રાહકોની જરૂરિયાત મૂજબ ફિનિશ્ડ પ્રોડક્ટસ સુનિશ્ચિત કરી શકાય. કંપની રશિયન ફેડરેશન, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, યુએઇ, ઇરાન, અલ્ગેરિયા, ઇઝરાયેલ, તુર્કી અને ઇજિપ્ત સહિતના દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
પત્રકાર પરિષદ સંબોધતા શીતલ યુનિવર્સલ લિમિટેડના સંસ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર હિરેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે, એગ્રી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બહોળા અનુભવ સાથે અમે ઘરેલુ અને નિકાસ બજારો માટે ડિફેટેડ પ્રોટીન પાઉડર અને એક્સટ્રેક્ટ કોલ્ડ પ્રેસ ઓઇલના ઉત્પાદન માટે પર્યાપ્ત ઉપકરણો સાથે ઉત્પાદન સુવિધા સ્થાપીને મૂલ્યવર્ધન સાથે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમે કાચી મગફળી, બદામ, કાજૂ અને બીજમાંથી ડિફેટેડ પ્રોટીન પાઉડર (ડ્રાય પાઉડર)નું ઉત્પાદન એકમ સ્થાપિત કરવાની પણ યોજના ધરાવીએ છીએ, જે વેગન ફૂડ તરીકે ઓળખાય છે. આથી અમે આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો હિસ્સો અમારી ક્ષમતા વિસ્તરણ અને બીજી ભુગોળમાં ઉપસ્થિતિ વધારવા માટે ફાળવીશું.