- રાજ્યભરમાં 1056 શી-ટીમ દ્વારા ૨૫ હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
- શી ટીમે આ અનોખી ઉજવણી મારફતે વડીલોની રક્ષા માટે ‘શી ટીમ’ હરહંમેશ તત્પર હોવાનો સંદેશ આપ્યો
ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રાજ્યભરમાં વડીલોની રક્ષાના સંકલ્પ સાથે તેમને રાખડી બાંધીને પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ અલગ ૧૦૫૬ શી ટીમ દ્વારા કુલ ૨૫,૦૫૨ વડીલોની મુલાકાત લઈ તેમને રાખડી બાંધી મો મીઠું કરવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ આપણી બહેનો, દીકરીઓ અને માતાઓની સુરક્ષા માટે દિન-રાત એક કરીને કામ કરે છે. ગત વર્ષની જેમ આ રક્ષાબંધનના તહેવારે પણ શી ટીમે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શી ટીમે વૃદ્ધાશ્રમ સહિત વડીલોના ઘરે જઈને રૂબરૂ મળી તેમને રાખડી બાંધી તેમની રક્ષા કરવા શી ટીમ હરહંમેશ તત્પર છે તેવો સંદેશો આપ્યો હતો. આ માધ્યમથી શી ટીમે વડીલોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો છે. સાથે સાથે આ કાર્યક્રમ થકી શી ટીમે સમાજમાં વડીલો પ્રત્યેનો સન્માન અને આદર ભાવના વધારવાનો પણ સંદેશો આપ્યો છે.
શી ટીમની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ છે. આવી પહેલોથી સમાજમાં સુરક્ષાની ભાવના વધશે અને મહિલાઓ, બાળકો અને વડીલો વધુ સુરક્ષિત અનુભવશે.
શી ટીમ વિશે વધુ:
•શી ટીમ એ ગુજરાત પોલીસની એક વિશેષ ટીમ છે જે મહિલાઓ તેમજ બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્ય કરે છે.
•આ ટીમમાં માત્ર મહિલા પોલીસ કર્મચારી-અધિકારીઓ જ હોય છે.
•શી ટીમ મહિલાઓને પરેશાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે છે.
•શી ટીમ મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા સંબંધિત જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરે છે.
આપણે શું કરી શકીએ
•આપણે સૌએ મળીને મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્ય કરવું જોઈએ.
•આપણી આસપાસ કોઈ મહિલા, બાળક કે વડીલ પર અન્યાય થતો હોય તો આપણે તરત જ શી ટીમ અથવા પોલીસને જાણ કરવી જોઈએ.
•આપણે સમાજમાં મહિલાઓ, બાળકો અને વડીલો પ્રત્યે સન્માન અને આદરની ભાવના રાખવી જોઈએ.