ગ્રાહકના સ્વાંગમાં આવેલી તસ્કર મહિલાની બાળકીએ મોબાઈલ તફડાવ્યો: સીસીટીવી ફૂટેજ મળ્યા
ગુંદાવાડી શેરી નં.૨માં આવેલા શ્રીજી કલોથ સેન્ટર નામની સાડીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલી તસ્કર મહિલાની તાલીમ આપેલી બાળકીએ દુકાનદારની નજર ચૂકવી રૂ.૧૪ હજારનો મોબાઈલ સેરવી લીધાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નિકાવાની મહિલાની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતમૂજબ લક્ષ્મીવાડી કવાટર નં ૫૦મા રહેતા અને ગુંદાવાડીમાં શ્રીજી કલોથ સેન્ટર નામની દુકાનધરાવતા રવિન્દ્ર પરી રમેશપરી ગોસ્વામીએ ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ નજર ચૂકવી રૂ.૧૪ હજારની કિંમતનો મોબાઈલ ચોર્યાની ભકિતનગર પોલીસમાંફરિયાદ નોંધાવી હતી.
ગત તા.૯મી ડીસે. બપોરનાં સમયેગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ સાડીના ભાવ તાલ કરાવ્યા હતા. તે દરમિયાન રવિન્દ્રપરી ગોસ્વામીની નજર ચૂકવી મહિલાની સાથે રહેલી સગીર બાળકીએ મોબાઈલ તફડાવ્યાની સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે કાલાવડતાલુકાના નિકાવા ગામે રહેતી ઉષાબેન ગગજીભાઈ મકવાણા નામની મહિલાને ભકિતનગર પી.આઈ. વી.કે. ગઢવી પી.એસ.આઈ. પી.એમ. ધાખડા, હેડ કોન્સ. પ્રતાપસિંહ રાણા,મહેન્દ્રસિંહ ડોડીયા અને સલીમભાઈ મકાણી સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા ઉષાબેન મકવાણાએ પોતાની બાળકીને ચોરી માટે તાલીમ આપી હોવાનું અને પોતે ગ્રાહકના સ્વાંગમાં દુકાનદાર સાથે ભાવતાલ કરાવે તે દરમિયાન બાળકી ચોરી કરતી હોવાનું કબુલાત આપી છે. પોલીસે ઉષાબેન મકવાણા પાસેથી મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરીછે.