કોલ સેન્ટર અપગ્રેડેશન સિવાયની અન્ય 6 યોજનાઓનો પણ કુપોષિત વિકાસ: પૈસાના વાંકે અનેક પ્રોજેક્ટસ આ વર્ષે ફાઇલોમાં જ ગૂંગળાઇ જશે
દર વર્ષે અંદાજપત્રમાં કોર્પોરેશનના શાસકો રાજકોટવાસીઓની આંખોમાં સુંદર સપનાંઓ આંજે છે. કદાવર બજેટમાં રાજકોટ એક વર્ષમાં જાણે સ્માર્ટ સિટી બની જવાની હોય તેવી યોજનાઓની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં 25% પ્રોજેક્ટને બાદ કરતાં મોટાભાગના પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિ. કમિશનરએ રજૂ કરેલા બજેટમાં 22 નવી યોજનાઓનો ઉમેરો કર્યો હતો. નાણાંકીય વર્ષના પ્રથમ નવ માસમાં આ 22 પૈકી 15 યોજનાઓ આજની તારીખે માત્ર કાગળ પર જ રહી છે.
આ ઉપરાંત અન્ય 7 પ્રોજેક્ટ જે સાકાર થયાં છે તેમાં કોલ સેન્ટરના અપગ્રેડશન સિવાયની તમામ યોજનાઓનો કુપોષિત વિકાસ થયો છે. અલગ-અલગ યોજનાઓમાં હાલ ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી અથવા ટેન્ડર પ્રક્રિયામાં હોવાનું કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષેે નાણાંના અભાવે એકપણ યોજના પરિપૂર્ણ થાય તેવું હાલ દેખાતું નથી.
મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂા.2275 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂા.15.44 કરોડનું કદ વધારી રૂા.2291.24 કરોડનું બજેટ મંજૂર કર્યુ હતું. જેમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલી યોજનાઓ ઉપરાંત ખડી સમિતિએ 22 નવી યોજનાઓનો સમાવેશ કર્યો હતો. નાણાંકીય વર્ષના પ્રથમ નવ માસ વિતી ગયા છે અને હવે માત્ર 3 માસનો જ સમયગાળો બાકી રહ્યો છે.
ખુદ શાસકોએ ઉમેરેલી 22 યોજનાઓ પૈકી 15 યોજનાઓ આજની તારીખે કાગળ પર જ રહી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સોરઠીયા વાડી સર્કલ, 150 ફૂટ રીંગ રોડ પર રાધે ચોકડી અને કોઠારીયા લાપાસરીને લાગૂ વિસ્તારમાં ખોખડદળી નદી ઉપર બ્રિજનું નિર્માણ કરવા 18 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇ કામગીરી શરૂ કરાઇ નથી.
આ ઉપરાંત કોઠારીયા વિસ્તારમાં સીસીરોડ બનાવવા, આજી અને ન્યારી ડેમ સાઇટ ઉપર 300 એમએલડીની ક્ષમતાના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા, ત્રણેય ઝોનમાં ફક્ત મહિલાઓ માટે ગાર્ડન બનાવવા, ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટનું નિર્માણ કરવુ, વોર્ડ નં.12માં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવું, સદ્ગુરૂ રણછોડદાસજી કોમ્યુનિટી હોલની બાજુ અદ્યતન ઓડિટોરિયમ બનાવવું, વોંકળા પાકા કરવા, આરએમસી ઓન વોટ્સએપ, 10 ઇ-ટોયલેટ, ઇલેક્ટ્રીક કારની ખરીદી કરવી, મહિલા હાર્ટનું નિર્માણ કરવું, મૃત પશુઓના નિકાલ માટે અદ્યતન ઇન્સીનેટરની સુવિધા, આરોગ્ય કેન્દ્રનું ડીઝીટાઇઝેશન તથા અપગ્રેડેશન અને રમત-ગમતના સાધનો માટે વોર્ડ વાઇઝ ગ્રાન્ડ ફાળવણીનું મહત્વકાંક્ષી યોજનાઓ આજની તારીખે માત્ર કાગળ પર જ દોડી રહી છે.
જે 22 યોજના સ્ટેન્ડિંગ કમિટીએ મૂકી હતી તે પૈકી એકમાત્ર કોલ સેન્ટરની અપગ્રેડેશનની યોજના જ સપૂર્ણપણે પુરી થઇ છે.
જ્યારે પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડેશન, ઇ-લાયબ્રેરી, થીમ બેઇઝ ચિલ્ડ્રન પાર્ક, ગો-ગ્રીન ક્ધસ્પેક્ટ અને પીપીપીના ધોરણે મીયાવાંકી ક્ધસેપ્ટથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ જેવી 6 યોજનાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ તેનો જોઇએ તેટલો વિકાસ થયો નથી.
જાન્યુઆરીમાં બજેટની સમિક્ષા બેઠક બોલાવાશે: સ્ટે.ચેરમેન
બજેટમાં મૂકવામાં આવેલી અમુક યોજનાઓ ટેન્ડર પ્રક્રિયામાં જ્યારે અમુક માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરી દેવામાં આવી છે: પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનરએ રજૂ કરેલા અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 22 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકી કેટલીક યોજનાઓ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જે યોજના હજુ સુધી શરૂ થઇ નથી. તેની સમિક્ષા કરવા માટે આગામી જાન્યુઆરી માસમાં અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી છે. અમુક યોજનાઓ માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાંક પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરી દેવામાં આવી છે.
બજેટમાં જે યોજનાઓ મુકવામાં આવી છે તે તમામ ચોક્કસપણે સાકાર કરવામાં આવશે, તેવી ખાતરી પણ તેઓએ રાજકોટવાસીઓને આપી છે.