૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્માના રંગુન શહેરમાં થયો હતો વિજયભાઈ રૂપાણીનો જન્મ: ૭ ઓગસ્ટ ૨૦૧૬માં તેઓના શીરે મુકાયો ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ
વિજયભાઈનાં ૬૩માં જન્મદિવસની રાજયભરમાં ઉજવણી: ભાજપ દ્વારા અનેક સેવાકિય કાર્યોની વણઝાર: અભિનંદન વર્ષા
પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના પ્રહરી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સુર્ખ સુખી અને દુ:ખે દુ:ખી થતા લોકલાડીલા નેતા વિજયભાઈના જન્મદિવસની રાજયભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા અનેકવિધ સેવાકાર્યોની વણઝાર સર્જી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યોએ પણ જન્મદિવસની શુભકામના પાઠવી છે.
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનના રંગે રંગાયેલા વિજયભાઈનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્માના રંગુન શહેરમાં થયો હતો. બર્મામાં જીવન ઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું છે. તેઓ જયાં-જયાં જોડાયા ત્યાં હીર ઝળકાવ્યું. તેઓ વિવિધ આંદોલનમાં સક્રિય રીતે જોડાયા હતા. કટોકટીના કપરાકાળમાં સૌથી નાની વયે જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તરીકે અને ૧૯૮૭માં કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા. ૧૯૮૮માં તેઓને પાર્ટીએ રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન બનાવ્યા તેઓ સતત આઠ વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન રહ્યા ત્યારબાદ ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી રાજકોટના મેયર તરીકે જવાબદારી નિભાવી તેઓના મેયર તરીકેના કાર્યકાળમાં રાજકોટ અને યુ.કે.વચ્ચે લેસર કરાર થયા તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જના અધ્યક્ષપદે પણ સેવા આપી ચુકયા છે.
છટાદાર પાણીના કારણે તેઓ પ્રદેશ ભાજપ પ્રવકતા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. ૧ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ પદે નિયુકત કરાયા. ૧૯૯૮થી ૨૦૦૨ સુધી રાજય સરકારમાં સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા. ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી રાજયસભાના સાંસદ તરીકે તેઓએ સુપેરે જવાબદારી નિભાવી. આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારની વિવિધ કમિટીના સભ્ય તરીકે પણ રહ્યા. ૨૦૧૩માં રાજય સરકાર દ્વારા તેઓની ગુજરાત મ્યુનીસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી. વર્ષ ૨૦૧૫માં તેઓ રાજકોટ-૬૯ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા. પ્રજાને પારખવાની ક્ષમતાના કારણે તેઓને કેબીનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ તથા રોજગાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. સંગઠનના માણસ તરીકે ઓળખાતા વિજયભાઈ રૂપાણીને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી.
મુખ્યમંત્રીપદેથી આનંદીબેન પટેલે રાજીનામું આપતા ભાજપ મવડી મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગીનો કળશ વિજયભાઈ રૂપાણી પર ઢોળવામાં આવ્યો. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મમાં તેઓએ અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા.
વિજયભાઈ રૂપાણીની સરકાર સુશાસનના ચાર આધાર સ્તંભ પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકાર કાર્યાન્વિત છે. સુજલ સૌરાષ્ટ્ર, સમૃદ્ધ ગુજરાત, ટોલ ટેકસમાંથી મુકિત રાજય સરકારનાં કર્મચારીઓને સાતમાં પગારનો લાભ, ખેડુતોને ૧૦ કલાક વિજળી, ખેડુતોના હિતમાં લોકાભિમુખ સુધારા, આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, એલઈડી બલ્બના ભાવમાં ઘટાડો, અટલ સ્નેહ યોજના, ૬૦૦૦ ગામડાને ડિજિટલ હાઈવે સાથે સાંકળવા નર્મદા ડેમના દરવાજા બંધ કરવા સહિતના અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા.
વર્ષ ૨૦૧૭ વિધાનસભાની ચુંટણી પણ ભાજપ વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં લડયું. સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં સતત છઠ્ઠી વાર ભાજપની સરકાર બની. ૨૨મી ડિસેમ્બરના રોજ વિજયભાઈએ ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા. સાડા છ કરોડ ગુજરાતીઓના પ્રહરી વિજયભાઈ રૂપાણી આજે પોતાની યશસ્વી અને સફળ કારકિર્દીના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે.
આજે વિજયભાઈ રૂપાણીના જન્મદિનની સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો સાથે મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી કરાઈ હતી.
સરગમના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, રાજકોટના પનોતાપુત્ર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસની હરણફાળ ભરતુ રહે, મુખ્યમંત્રી ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેમજ નીરામય જીવન જીવ તેવી શુભકામનાઓ પાઠવું છું.
મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાજુભાઇ કેસ્ટ્રોલવાળા
રાજકોટના પનોતા પુત્ર અને કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગનાઇઝેશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ કેસ્ટ્રોલવાળાએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
રાજુભાઇએ આ અંગે કહ્યું કે જેમના પર જૈન તથા જૈનેતેર સમાજના સંંતો-મહંતો આચાર્યોના લાગણી સભર, સહ્રદયી આશિર્વાદની વર્ષા અવિરત વરસતી રહે છે.
જેમનું લક્ષ્ય છેવાડાના માનવી સુધી પહોંચી તેમનું કલ્યાણ, અહિંસા અપરિગ્રહના અમુલ્ય સિઘ્ધાંતો જીવનમાં સાર્થક કરનાર રાજકોટના પનોતા પુત્ર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રગતિના શિખરો સર કરતાં રહે અને નિરામય જીવન જીવે તેવી શુભકામનાઓ