જીંદગીના આખરી પડાવે પણ લોકશાહીના પર્વે મતદાન કરવા અનુરોધ
સત્ય નિષ્ઠા અને મૂલ્યોને વરીને રાજનીતિમા પ્રેરણાદાયી જાહેરજીવન કરી ચૂકેલા સો વર્ષની ઉંમર પૂર્ણ કરનાર જૂનાગઢ જિલ્લાના બીલખા ગામે રહેતા રત્નાભાઇ ઠુમ્મરે જિંદગીના આખરી પડાવે પણ લોકશાહીનાં મહાપર્વ એવી સાંપ્રત સમયની વિધાનસભાની આવનાર સામાન્ય ચુંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દેશનું પ્રથમ કહી શકાય એવુ લોકશાહી પરંપરાનું પર્વ ચુંટણી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનાં પરિસરમાં 1947માં સરદાર પટેલની સભા બાદ યોજાયુ હતુ. આ ચુંટણીમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરનાર રત્નાબાપા ઠુમર આજ સુધીમાં એક પણ ચુંટણી દરમ્યાન મતદાન કરવાનું ચુક્યા નથી. તેઓ પોતે મતદાન અચુક કરે છે અને સૈાને અંતરાત્માનાં અવાજને અનુસરીને મતદાન કરવુ જોઇએ એવુ સૈાને સમજાવે પણ છે.
પોતાની જાહેર જીવનની સફર દરમ્યાન તેમણે ક્યારેય સરકારી તીજોરીમાંથી મળવાપાત્ર નાણાનો સ્વીકાર કર્યો નથી. હમેશા સાદી બસમાં ગાંધીનગર ધારાસભ્ય તરીકે સફર કરનાર આ મુઠી ઉચેરા માનવી આજે લોકશાહીનાં પર્વે મતદારોને પોતાનાં અંતરાત્માના અવાજને અનુસરીને મતદાન કરવા આહવાન કરે છે.
103 વર્ષના પૂર્વ ધારાસભ્ય ઘોડે બેસી ચૂંટણી પ્રચાર કરતાં
રત્નાભાઇ ઠુમર આજે 103 વર્ષની આયુ ધરાવે છે. જન્મપુર્વે પિતૃ છત્ર ગુમાવનાર રત્નાભાઇનો ઉછેર માં જીવીબાએ પોતાનાં મોસાળ એવા ઉમરાળા ગામે કર્યો હતો. કઠીન પરીસ્થિતીનો સામનો કરતા કરતા ખેડુતોનાં પ્રશ્નોને વાચા આપવાની વાત સાથે ખેડુતોનું નેતૃત્વ કરી જાહેર જીવનમાં પંચાયતથી વિધાનસભ્ય સુધીની સફર તેમણે ખેડી હતી. અગાઉના સમયમાં સોશ્યલ મીડિયા કે પ્રચારનાં આજના જેવા સંશાધનો ના હતા. ત્યારે ઘોડા પર બેસી ગામે-ગામ જઇ લોકોનાં સુખ-દુખમાં સહભાગી બનતા. જન જન સુધી સેવેદનાત્મક નાતો બાંધી મુલ્યનિષ્ઠ રાજનીતિ કરનાર રત્નાભાઇ ઠુમર તેમનાં જીવનનાં આદર્શ સિધ્ધાંતોને વરીને આજેય નિરામયી જીવન જીવી રહ્યા છે.
રત્ના બાપાના ઘરમાં આજેય અઠવાડીએ એક ટંક ભોજન બનતુ નથી
અત્રે ઉલ્લેખનિય છે કે 1965ના યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જોન્સને ત્તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને ધમકી આપી હતી કે જો તેમણે પાકિસ્તાન સાથેનું યુદ્ધ બંધ ન કર્યું તો અમે આપને પી. એલ. 480 અંતર્ગત જે લાલ ઘઉં મોકલીએ છીએ, તે અટકાવી દઈશું. તે સમયે ભારત ઘઉં ઉત્પાદનમાં આત્મનિર્ભર નહોતું. શાસ્ત્રીને આ વાત ઘણી લાગી આવી, કારણ કે તેઓ ઘણા સ્વાભિમાની હતા.તેમણે દેશવાસીઓને કહ્યું કે આપણે એક અઠવાડિયા સુધી એક ટંકનું ભોજન નહીં કરીએ. આવું કરવાથી અમેરિકાથી આવનાર ઘઉંની ખોટ પુરાઈ જશે. લાલબહાદુર શાસ્ત્રીને કહ્યું કે હું દેશવાસીઓને એક ટંકનું ભોજન ન કરવાની અપીલ કરવા જઈ રહ્યો છું.બસ આ અપીલને આજેય રત્નાબાપાનો પરિવાર ટકાવી રાખ્યો છે. અને આજેય અઠવાડીએ એક ટંક આ ઘરમાં ભોજન બનતુ નથી.