ગિરનારના ભોજનાલયમાં બનતાં ભોજન પ્રસાદ સેવાનો લાભ લેતા પૂર પીડિતો તેમજ NDRFના જવાનો : છેવાડા સુધી લોકોને ને ભોજન પ્રસાદ પણ પહોંચાડવા આવી રહ્યો છે.
અબતક, જૂનાગઢ
જૂનાગઢમાં જે આકાશી આફત સર્જાઈ હતી તેમાં NDRFની ટીમ તથા અન્ય સેવાભાવીઓના ભોજન માટે તથા ગરીબ વિસ્તારોમાં આવેલા ઝૂપડપટ્ટીઓમાં વસતા લોકો માટે રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ – ગિરનારના આંગણે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યાંથી આખા દિવસમાં અનેક સ્થળોમાં હજારો લોકો માટે ભોજન પહોંચાડવામા આવી રહ્યું છે.
અનેક અનેક ગરીબ પરિવારોના ગરમાગરમ ભોજન મળવાના કારણે તેમનામાં મુખ ઉપર હાશકારો જોવા મળી રહ્યો છે તેમજ દિવસ રાત મહેનત કરનારી NDRF ટીમને પારસધામ – ગિરનાર તરફથી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યની અંદર યતિનભાઈ કોટેચા અને તેની સાથે જોડાએલાં લાયન્સ ક્લબના હોદેદારો તથા જુનાગઢના સુજલભાઈ દોશી અને અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
તેમજ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી મેંદરડામાં પણ ડૉ. હર્ષદભાઈ અજમેરાના પરિવારએ પણ રસોડુ ખોલી અનેક ગરીબ પરિવારોને ભોજન આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેવી રીતે અલગ અલગ બધા ગામોમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકોએ પહોંચીને જે જે નાના ગામમાં જરૂરત હતી ત્યાં વસ્ત્ર, ભોજન, વાસણો અને તાલપત્રી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકોને આ વિશેષ કાર્યમાં જોડાવવા અપીલ કરવામાં આવી રહી છે. જે કોઈ આ સેવામાં જોડાવવા માંગતા હોય તેઓ 73030 00666નંબર પર સંપર્ક કરી શકે છે.
સાથો સાથ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંતો અને 30 થી વધુ મહાસતીજીઓ સુખ શાતામાં છે. પૂજ્ય શ્રી સોહમમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ જિનેષાજી મહાસતીજીને આજરોજ 23 જુલાઈના 22 મો ઉપવાસ છે. તેઓને શાતા વર્તી રહી છે.