સવારે ૭:૦૦ થી ૮:૩૦ ભાવાંજલિ સભા: અખંડધૂન અને ભજન ભક્તિના કાર્યક્રમો યોજાશે
અમરેલી જિલ્લાના તરવડા ગામે તા.૧૮/૬/૧૯૦૧ના સંવત ૧૯૫૭ની અષાઢી બીજ (રથયાત્રાના પુનિત પર્વે) માતા વરૂબા અને પિતા ભુરાભાઈ લાખાણીના ત્યાં અરજણ નામના પુત્રનો જન્મ થયો. માત-પિતાએ પુત્રનું પાલન પ્રેમ અને સંસ્કારયુક્ત કર્યું. ફક્ત સાત વર્ષની ઉંમરે સદ્દગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય વચનસિદ્ધ સમર્થ સંત સદ્ગુરુ બાલમુકુંદદાસજી સ્વામી પાસે કંઠી ધારણ કરી નિત્ય પૂજા પાઠ કરવાનું નિયમ લીધું. નવ વર્ષની ઉંમરે અરજણે સ્વામી પાસે ધ્યાન શીખવાની તીવ્રતા બતાવી ત્યારે જ બાલમુકુંદદાસજી સ્વામીએ બાળકમાં રહેલા ગુણને પારખી લીધા.
ભણવામાં તેજસ્વી, ચપળ, હોશિયાર અરજણને નાનપણથી જ સઘંથોના વાંચનમાં વિશેષ રુચિ હતી. યમદંડના વાચનથી કુમળી વયમાં જ હૃદયમાં વૈરાગ્યની ભાવના પ્રગટી અને માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંસાર છોડી સાધુતાના માર્ગે પ્રયાણ કર્યું. સાધુ થવા છ-છ વખત ઘેરથી ભાગી છૂટી સફળ થયેલા અરજણે જૂનાગઢ મંદિરના વચનસિદ્ધ સ્વામી બાલમુકુંદદાસજી સ્વામી પાસે ૧૪ વર્ષની ઉંમરે પાર્ષદ તરીકે દીક્ષા લીધી. બાલમુકુંદદાસજી સ્વામી અક્ષરવાસી થતાં નંદસંતોની સેવા કરી સાધુતાસંપન્ન, વિદ્વત્વર્ય પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના શિષ્ય થઈ રહ્યાં. ૧૬ વર્ષની ઉંમરે સારંગપુર કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં લક્ષમીનારાયણદેવ વડતાલના આચાર્ય પતિપ્રસાદજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી.
સાત વર્ષ સુધી વરતાલની સંસ્કૃત પાઠશાળામાં રામાનુજ વેદાંતનો અભ્યાસ કર્યો. કથાવાર્તા કરી, સેવા કરી અનેક સંતોનો રાજીપો મેળવ્યો. યુવા અવસ્થામાં ૮૦૦ જેટલા કીર્તનો, ૩૦૦૦ જેટલા સંસ્કૃતના લોકો, વચનામૃતો, ભક્તચિંતામણીનાં પ્રકરણો કંઠસ્થ કર્યા તો ગીતાજીના ૧૮ અધ્યાયના ૭૦૦ જેટલા લોકો માત્ર અઢાર દિવસમાં જ કંઠસ્થ કરી સૌને વિદ્વતાનો પરિચય કરાવ્યો.
૮૧ જેટલા મંદિરોના જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ કર્યા. સાડા ત્રણ કરોડ સ્વામિનારાયણ મહામંત્ર જપ કરવાનું નિયમ ગ્રહણ કર્યું, જેઓએ ટૂંક સમયમાં ૧૦ કરોડથી વધુ જપ કર્યા.
નાની ઉંમર હોવા છતાં પીઢતા, સાધુતા, વિદ્વતા, કાર્યકુશળતા, સેવાભાવના, વ્યવહારિક સૂઝ જેવા અમાપ ગુણો જોઈ આચાર્ય આનંદપ્રસાદજી મહારાજે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંતપદે નિમણૂક કરી. બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વશાંતિ માટે જૂનાગઢમાં ૨૧ દિવસનો અભૂતપૂર્વ યજ્ઞ મહોત્સવ કરી સાધુ-સંતો અને હરિભક્તોમાં અનેરી લોકચાહના મેળવી. આ યજ્ઞ મહોત્સવના ઉ૦૦થી વધુ સંતો અને ૨૧લાખથી વધુ ભાવિકોએ આઠ આઠ રસોડે ભોજન પ્રસાદ લીધેલ.
મહંત પદેથી નિવૃત્ત થઈ હિમાલયમાં બદ્રિનારાયણ, કેદારનાથની પ૩ દિવસની પદયાત્રા કરી. આ યાત્રા દરમિયાન રૂદ્રપ્રયાગની એક પર્ણકુટીમાં એક ઋષિ થોડાં બાળકોને રઘુવંશના લોકો શીખવતા હતા. તે જોઈ ઉગતી પેઢીના બાળકોમાં વિદ્યાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિના સંસ્કારો રેડવા ગુરુકુલ કરવાનો સંકલ્પ સફૂર્યો.
ભારતની ઊગતી આઝાદી સાથે ૧૯૪૮માં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે સાત વિઘાર્થીઓથી સ્વામિનારાયણ ગુસ્કુલ, રાજકોટનો શુભારંભ કર્યો. ત્યારબાદ ૧૯૬૨માં જૂનાગઢ ખાતે અને ૧૯૭૭માં અમદાવાદ મેમનગર ખાતે ગુસ્કૂલ રાજકોટની ત્રીજી શાખા શરૂ કરી. શાસ્ત્રીજી મહારાજ અયાચક વ્રતધારી સંત હતા. ઈશ્વરઈચ્છાએ જે કંઈ મળે તે સ્વીકારતા, તેઓ માનતા કે બે હાથ વાળા પાસે શા માટે માંગું ? માંગવું હોય તો હજાર હાથવાળા પાસે ન માગું ? સ્વામીએ પોતાના જીવનમાં ૭પ જેટલા સ્ત્રીધનના ત્યાગી સાચા સંત તૈયાર કર્યા, જે સ્વામિનારાયણ સંપ્રદાયની મોટી મૂડી સમાન હતા. શાસ્ત્રીજી મહારાજનો આધ્યાત્મિક વારસો હાલ સદ્દગુરુ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરુ સ્થાને બીરાજી સંભાળી રહ્યા છે, ગુસ્વર્ય દેવકૃષ્ણદાસજીએ સાચું જ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ પંચવ્રત પૂરા શૂરા હતા, તેમનું જીવન નદીના પ્રવાહની જેમ સદા પરહિતાર્થે વહેતું રહ્યું છે.
સ્વામિનારાયણ ગુસ્કુલ-રાજકોટની ૪ર જેટલી શાખાઓ દેશ-વિદેશમાં કાર્યરત છે. આ બધી શાખાઓનો મુખ્ય હેતુ માનવી સદાચારી જીવન જીવી ભગવતપરાયણ બની આ લોકનું અને પરલોકનું ભાથું બાંધે તે છે, આ બધી સંસ્થાઓના મહંતપદે અને ગુસ્થાને બિરાજતા સદ્દગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી સરળ અને સાદગીપૂર્ણ જીવન જીવી બીજાને માર્ગદર્શક રૂપ બની રહ્યા છે. તેઓશ્રીને જીવનમાં અહ્મ નથી તો પદનો મોહ પણ નથી.
સોમવારે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ૩૧મી પુણ્યતિથિ છે. ગુરુકુલમાં સવારે ૭:૩૦ થી ૮:૩૦ ગુણાનુવાદ સભા થશે તેમાં સ્વામીજીનું પુષ્પોથી પૂજન કરવામાં આવશે, જેનો લાભ બધા ભક્તોને મળશે. આ દિવસે પૂ. શાસ્ત્રીજી મહારાજના કર્મસ્થાન (ઓરડો)માં સવારના ૮:૩૦ થી રાત્રિના ૮:૩૦ સુધી ૧૨ કલાકની અખંડ ધૂન થશે. આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. ગુણાનુવાદ સભા બાદ સવારે ૮:૩૦ કલાકે પ્રાર્થના મંદિરથી વાજતે ગાજતે સંતો હરિભક્તો પૂ. શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર વેદીકા સ્થળ પર જઈ પ્રદક્ષિણા – દંડવત કરી પુષ્પાંજલિ અર્પણ કરશે.
આ દિવસે પૂ. સ્વામીજીને શ્રદ્ધાંજલિ રૂપે ભજન ભક્તિના વિશેષ કાર્યક્રમ પૂ. શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા સાધુ લક્ષ્મીનારાયણદાસ સ્વામી વગેરેના માર્ગદર્શન નીચે કાર્યક્રમ કરવામાં આવશે તેમ બાલુભગત તથા નીલકંઠભગતની યાદીમાં જણાવાયું છે.