મેમનગર ગુરુકુલ ખાતે ૧૨ કલાકની અખંડ ધૂન, શ્રધ્ધાંજલી સભા, સંતો સહિત ૨૧૦ હરિભક્તોએ કર્યું રકતદાન
સ્વામિનારાયણ ગુરુુકુલના આદ્ય સંસ્થાપક અને પ્રણેતા સદ્ગુરુ શા.મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની ૩૧ પુણ્યતીથિ તેમજ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી દ્વારા શહિદ થયેલા ભારતના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને બાલકૃષ્ણદાસજી સ્વામી, ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર ગુરુુકુલ ખાતે ૧૨ કલાકની અખંડ ધૂન અને સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેેમનગર ગુરુુકુલ, એસજીવીપી હોસ્ટેલ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થાઓ તેમજ સ્થાનિક હરિભકતો સહિત ૧૬૦૦ ઉપરાંત ભકતો ઉપસ્થિત જોડાયા હતા, કાર્યક્રમની શરુઆતે ત્રણેય સદ્ગુરુ સંતોએ શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કહી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજમાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વગેરે ગુણો તેનું દ્રષ્ટાંતે સહિત વર્ણન કર્યુ હતું. અને જણાવ્યું હતુ કે, શાસ્ત્રીજી મહારાજે શિક્ષણની સાથે આરોગ્યલક્ષી સેવા, આપત્કાલિન સહાય, જરુરિયાતમંદને સહાય, આવા અનેક સમાજોપયોગી શરુ કરેલ સેવા કાર્યો શાસ્ત્રીજી મહારાજના અક્ષરવાસ પછી એસજીવીપીના અધ્યક્ષ પુ. માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા ચાલુ રહ્યાં છે તેમ જણાવ્યું હતું.
કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીએ હાસ્યસભર શૈલીમાં શાસ્ત્રીજી મહારાજના સંગમાં આવવાથી સંતો, વિદ્યાર્થીઓ અને હરિભકતોમાં કેવું પરિવર્તન થાય છે તે વિગતવાર વાત કરી હતી.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કેસદગુરુ શાસ્ત્રીજી મહારાજે પ્રથમ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે. તેઓ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ધ સંત હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોના આશીર્વાદ મળ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે જેમ ગૃહસ્થ પોતાના માતા પિતાના ઋણમાંથી મુક્ત થઇ શકતા નથી તેમ શિષ્યો પણ પોતાના ગુરુના ઋણમાંથી ક્યારેય મુ્કત થઇ શકતા નથી. જેમ માતા પોતાના બાળકને કડવી ગોળી પાઇને પણ નિરોગી રાખે તેમ સ્વામી પણ આપણા જીવન ઘડતર માટે કડવા વચન કહી અંતરથી નિરોગી રાખતા. પોતે શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ સંત હતા, અને ભકતોને પોતાનામાં જોડતા નહી ભગવાનમાં જોડતા.
સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન આજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત મહત ભગવાન સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ગુરુકુલની ભવ્ય પરંપરા સર્જી. શ્રીજી સંકેત અનુસાર શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સદવિદ્યા પ્રવર્તનનો મંગળ પ્રારંભ કર્યો અને આજે હજારો વિદ્યા્ર્થીઓ શિક્ષણ સાથે જીવન મૂલ્યોના સંસ્કારો પ્રાપ્ત કરી રહ્યા છે.
કાર્યક્રમને અંતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જમ્મુ-કાશ્મીરમાં જે આંતકવાદીઓએ હાહાકાર મચાવી આપણી નવયુવાન સૈનિકોની જે હત્યા કરી તેની વાત કરી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હરિભકતોને સૈનિકોને આર્થિક મદદ કરવા અપીલ કરી હતી. અને સાથે સાથે ગુરુકુલના સેવાભાવી રવિભાઇ ત્રિવેદીએ જાહેર કરેલ કે હરિભકતો દ્વારા જે રકમ એકઠી થાય તેટલી રકમ પોતે આપશે.
આ પ્રસંગે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગુરુકુલના ૨૦ સંતો સહિત ૨૧૦ લોકોએ રક્તદાન કર્યું હતું. અંતમાં પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી સૌ કોઇને આશીર્વાદ આપ્યા હતા.સભાનું સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું. સભામાં આવનાર તમામ ભકતોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.