મયુરરથ, હંસરથ, ડિજિટલ ઈન્ડિયા, ગુરુકુળ પરંપરાની ઝાંખી, બગી રથ અને સ્વચ્છતા અભિયાનના ફલોટ આકર્ષણનું કેન્દ્ર બન્યાં
સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક પ.પુ.સદ્ગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં વિવિધ બેન્ડવાજાની સુમધુર સુરાવલીઓ, હાથી, તાલીમ પામેલા ઘોડેશ્ર્વારો, બાઈક સવારો, મયુર રથ, હંસરથ, ડીઝીટલ ઈન્ડિયા, ગુરુકુલ પરંપરાની ઝાંખી, ઘોડાગાડી, બગી રથો, માણકી ઘોડી પર અસ્વાર સહજાનંદ સ્વામી તથા વાતાવરણને શુદ્ધ કરવા યજ્ઞ કુટિર, કમળ, નાળિયેર તથા સ્વચ્છતા અભિયાનના ફલોટો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રાની શરૂઆત મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાવેલ. સાથમાં લક્ષ્મીનારાયણ સ્વામી, દેવપ્રસાદ સ્વામી, જ્ઞાન સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, નારાયણ સ્વામી વગેરે વિશાળ અંતવૃંદ જોડાયો. શોભાયાત્રામાં બેન્ડોના સુમધુર સ્વરો તથા રાસ મંડળી આકર્ષણનું કેન્દ્રો બન્યા હતા.
શોભાયાત્રા જયારે ભક્તિનગર સર્કલ પહોંચી હતી ત્યાં ગુરુકુળ દ્વારા બનાવવામાં આવેલ સર્કલ સૌનું ધ્યાન કેન્દ્રીત કરતા હતા. રાઉન્ડ શેઈપમાં ડીઝીટલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સેવ વોટર, સેવ લાઈફના ઉદ્દેશ વૃક્ષ બચાવો પૃથ્વી બચાવો છે. ગુરુકુળના ઉત્સાહી સંત સંત સ્વામીના માર્ગદર્શન નીચે સંતો, હરિભકતો તથા વિદ્યાર્થીઓએ આ ટેબલો તૈયાર કરેલ છે.
આ સર્કલનું ઉદ્ઘાટન સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની સાથે મેયર જૈમન ઉપાધ્યાય, કમિશ્નર બંછાનિધિ તથા અતિથિ વિશેષ તરીકે અરવિંદ રૈયાણી, કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, વશરામ સાગઠીયા, ઉદય કાનગડ વગેરે જોડાયા હતા.
ત્યાંથી શોભાયાત્રા શેઠ હાઈસ્કુલ થઈ પાટડી રોડ પર કોર્પોરેશનના હોલ આનંદનગર પાસેના મેદાન પર પહોંચી હતી. ત્યાં મહોત્સવના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદઘાટન અતિથિ વિશેષ તરીકે ચંદુભાઈ વીરાણી, શંભુભાઈ પરસાણા, શિવલાલભાઈ બારસિયા, રમેશભાઈ ટીલાળા હસ્તે કરવામાં આવ્યું હતું.
મહોત્સવ સ્થળે ઉદઘાટન સમારંભ દીપ પ્રાગ્ટય દ્વારા હજારો ભક્તો, સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા ગીત, સંગીત, સાંસ્કૃતિકસભર નૃત્ય નાટિકા, આતશબાજી કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મૌલેશભાઈ ઉકાણી, અરવિંદભાઈ પટેલ, ચંદુભાઈ સંતોકી ઉપસ્થિત રહ્યાં હતા.
ઉદઘાટન બાદ ભવ્ય બાલમંચ શરૂ થયેલ વિવિધ બાળ મંડળો તેમજ ગુરુકુલના સાંસ્કૃત બાળકોના શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગુરુદેવના ભવ્ય પૂજનોત્સવ કરવામાં આવેલ હતું. રામ, શ્યામ અને સ્વામિનારાયણના ૨૦૦ કરોડ મંત્રલેખન તથા ૫૦૦ કરોડ મંત્રજાપના અનુષ્ઠાનરૂપે પૂજન પ્રારંભ આજે કરવામાં આવેલ એ સાથે ૧૦૦ કલાકનો અખંડ રાસ પણ શરૂ કરાયેલ છે.