- પશ્ચિમ મામલતદારની ઓચિંતી સ્થળ વિઝીટ, નાસ્તાની લારીવાળાઓને બહાર કાઢ્યા
- હવે માત્ર ગેમ્સ કે વોકિંગ કરવા આવતા લોકોને જ પ્રવેશ અપાશે, બે દિવસમાં બાંધકામ વેસ્ટનો નિકાલ કરાશે
Rajkot News
પશ્ચિમ મામલતદારની ટિમ દ્વારા ગઈકાલે શાસ્ત્રી મેદાનની ઓચિંતી સ્થળ વિઝીટ કરી લારીવાળાઓ અને વાહનોને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેદાનના તમામ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર ગેમ્સ કે વોકિંગ માટે આવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
શાસ્ત્રી મેદાનમાં બે દિવસ પૂર્વે સિક્યુરીટી ગાર્ડ સાથે માથાકૂટ કરી 20 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓ મેદાનમાં ઘૂસી ગયા બાદ ગઈકાલે બપોરે અહીં પશ્ચિમ મામલતદારની ટીમ ત્રાટકી હતી અને મેદાનમાં ગેરકાયદે ઘૂસેલા ખાણીપીણીના ધંધાર્થીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. બે મહિના પહેલા શાસ્ત્રી મેદાનમાં કલેક્ટર તંત્ર દ્રારા નવા ચારેય લોખંડના દરવાજા લગાડી વાહનો અને કોર્મશિયલ પ્રવૃતિ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આમ છતાં મેદાનની સામે આવેલ હોટલના સંચાલકો દ્રારા કોઈપણ સરકારી તંત્રની પરવાનગી વગર જ મેદાનનો પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લ દ્વારા બપોરે ખાણીપીણીના ધંધાર્થીઓને મેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ મેદાનની તપાસ કરવામાં આવતા મેદાનમાં પ કાર અને એક લકઝરી બસ પાર્ક કરવામાં આવ્યા હતા. આથી આ વાહન માલિકોની શોધખોળ કરવામાં આવતા આ વાહન હોટલમાં આવતા લોકોની હોવાનું માલુમ પડ્યું હતું.
આથી તમામ વાહન માલિકોને મેદાનમાંથી વાહન લઈ લેવાની સુચના આપતા તેઓ વાહન લઈ ગયા હતા જ્યારે એક લકઝરી બસ ત્યા પડી હોય તેનો કોઈ અતોપતો નહી લાગતા એકાદ સપ્તાહ સુધી તેના માલિકની રાહ જોવામાં આવશે છતાં તેના માલિકનો પતો નહી લાગે તો આરટીઓને જાણ કરી તેનો કબ્જો સોંપી દેવામાં આવશે.
મેદાનમાં બાળકો અને મોર્નિંગ વોકમાં આવતા લોકો માટે એક દરવાજામાં સાંકળ લગાવી એક વ્યક્તિ મેદાનમાં પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થા સાથે તાળા મારી દેવામાં આવ્યા છે. અને હાલ મેદાનમાં જે બાંધકામનો વેસ્ટ પડયો છે તેનો બે દિવસમાં નિકાલ કરી દેવામાં આવશે.